મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રંગીલું ગણાતું રાજકોટ ક્રાઇમ નગરી બની ચૂક્યું છે. ગત  સાંજે શહેરના નવલનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં પતિએ  આડેધડ છરીના ઘા ઝીંકી પોતાની પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું છે. એટલું જ નહીં બંનેના ઝઘડામાં સાસુ વચ્ચે પડતા પતિએ તેમના પર પણ છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત સાસુને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નવલનગર વિસ્તારમાં રહેતી નમ્રતા કાનાબારના પ્રકાશ પરમાર સાથે પ્રેમલગ્ન થયા હતા. બંનેના લગ્ન જીવનમાં ખટરાગ ચાલતો હોઈ  નમ્રતા છેલ્લા થોડા સમયથી રિસામણે આવી હતી. આજરોજ પ્રકાશ પત્નીને મળવા આવ્યો હતો. દરમિયાન કોઈપણ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પ્રકાશે પત્ની પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. બંનેને છોડાવવા ગયેલા સાસુ મીનાબેનને પણ છરીના ઘા માર્યા હતા. જેને પગલે પત્ની નમ્રતાનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સાસુને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

પત્નીની હત્યા કરી આરોપી પતિ પ્રકાશ નાસી છૂટ્યો હતો. જો કે બનાવને પગલે દોડી ગયેલી પોલીસે સઘન તપાસ કરી ગણતરીની કલાકોમાં જ પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. અને મૃતક પત્નીની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. હાલ પોલીસે ઇજાગ્રસ્ત સાસુ મીનાબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.