મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ શહેરના ભક્તિનગર વિસ્તારની ગીતાંજલી સોસાયટીના રહેણાંક મકાનમાંથી રૂપિયા 21 લાખની ચોરી થયાની ઘટના સામે આવી હતી. બનાવ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ફરિયાદીની જ 20 વર્ષીય પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. ઉપરાંત રૂપિયા 64.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ ચાવીની મદદથી થયેલી આ ચોરી અંગે પોલીસને પ્રથમથી જ પરિવારના કોઈ સભ્યની સંડોવણીની શંકા હતી. આ દિશામાં તપાસ કરતા ફરિયાદીની પુત્રી પ્રિયંકા પરસાણાને એરપોર્ટ રોડ પર રહેતા અને હાલ બેંગ્લોર અભ્યાસ કરતા હેત કલ્પેશભાઈ શાહ સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોલીસે બેંગલોર ખાતેથી હેતને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસ દ્વારા આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં હેત ભાંગી પડ્યો હતો અને પોતે ફરિયાદી કિશોરભાઈની પુત્રી પ્રિયંકા સાથે મળીને આ ચોરી કર્યાનું જણાવ્યું હતું. પ્રિયંકાએ તારીખ 29-11-2018ના રોજ આ મુદ્દામાલની ચોરી કરી પોતાને આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેને પગલે પોલીસે બંનેની ધરપકડ કરી 300 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદીના દાગીના, ઉપરાંત રૂપિયા 40 હજારની રોકડ સહિત કુલ રૂપિયા 64.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.