મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના કાલાવડ રોડ ખાતેના રંગોલીપાર્ક આવાસ યોજના ક્વાર્ટર્સમાં શનિવારે 14 માળની બિલ્ડિંગના ચોથા માળે 4બાળકો લિફ્ટમાંથી બહાર નીકળ્યાની સેકન્ડોમાં એક મોટો ધડાકો થયો હતો. જેમાં લિફ્ટ ચોથા માળેથી છેક નીચે પટકાયા બાદ ફરીથી ઉછળીને ત્રીજા માળે આવી ફંસાઈ ગઇ હતી. અને સદનસીબે ચારેય બાળકો સાથે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. આ સમગ્ર ઘટનાથી રંગોલીપાર્કના લોકો થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયા હતા. બીજીતરફ હાઉસીંગના અધિકારીઓ દ્વારા મામલાને ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો. અને છેક મોડીસાંજે લિફ્ટ ઇન્સપેક્ટરને જાણ કરી હતી. જે અંતર્ગત આજે સ્થાનિકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને રજૂઆત કરી હતી.

શહેરના કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ દ્વારા રંગોલીપાર્ક આવાસ યોજના નામથી 14 માળના AથીQ વિંગના એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. બિલ્ડિંગના બાંધકામ સહિતના કામોમાં કરોડોનું કૌભાંડ થયું હોવાના અનેક આક્ષેપો છતાં સત્તાધીશોએ ક્યારેય કોઇપણ કાર્યવાહી કરી નહોતી. શનિવારે આવા જ એક કૌભાંડની પોલ ખોલતી ઘટના બની હતી. જેમાં N વિંગમાં રહેતા પરિવારના ત્રણ બાળકો કાર્તિક છત્રાલિયા, કુશ છત્રાલિયા, યાજ્ઞિક રાયજાદા અને મહેમાન તરીકે આવેલો એક બાળક બપોરે 12.30 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં પ્રવેશી ચોથામાળે ઉતાર્યા હતા. 

ત્યારબાદ ગણતરીની સેકન્ડોમાં મોટો ધડાકો થયો હતો. આ ધડાકો સાંભળી રંગોલીપાર્કની તમામ વિંગના લોકો બહાર દોડી આવ્યા હતા. અને જોયું હતું કે, લિફ્ટ ચોથા માળેથી નીચે પટકાઇ હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી લિફ્ટની સ્પ્રીંગને અડીને ફરીથી લિફ્ટ ઉછળીને ત્રીજા માળે પહોંચી ત્યાં ફંસાઈ ગઇ હતી. ત્યારે થોડી સેકન્ડૉ પૂર્વે જો આ ઘટના બની હોત તો ચારેય બાળકોનું શું થાત તે વિચારે સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. અધિકારીઓએ લિફ્ટમાં સર્જાયેલી ખામી અંગે બહુમાળી ભવનમાં આવેલા લિફ્ટ વિભાગને જાણ કરવાને બદલે પોતાનું પાપ છુપાવવા ખાનગી રીતે લિફ્ટ રિપેર કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે જાગૃત લોકોએ કામગીરી થવા દીધી નહોતી અને અધિકારીઓ પર દબાણ કરતાં અંતે કાર્યપાલક ઇજનેરે સાંજે લિફ્ટ વિભાગને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પણ અધિકારીએ પોતાની કે કોન્ટ્રાક્ટરની જવાબદારી બેદરકારી છુપાવવા માટે રંગોલીપાર્કના રહીશોને કારણે લિફ્ટમાં ખરાબી આવી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને સ્થાનિકો દ્વારા કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલને જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ ઇજનેરે કહ્યું હતું કે, ‘દુર્ઘટનામાં કોઇને ઇજા થાય કે કોઇનું મૃત્યુ થાય તો જ કાર્યવાહી થઇ શકે’. કાર્યપાલક ઇજનેરના આવા જવાબથી રંગોલીપાર્કના રહીશો ઉકળી ઉઠ્યા હતા. અને મોટી સંખ્યામાં તાલુકા પોલીસ કચેરીએ પહોંચ્યા હતા. તાલુકા પોલીસમાં સમગ્ર ઘટના વર્ણવી જવાબદારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી.