મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ શહેરથી 11 કિલોમીટર જેટલા માત્ર અંતર પર સ્થિત ખેતરડી રફાલાની સીમામાં એક દીપડો ઘૂસી ગયો છે. દીપડાએ લીંબુના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર હુમલો કર્યો હતો. ઉપરાંત બે શ્વાનોનો પણ શિકાર કર્યો હતો. જે પછી તે જાણે અદ્રશ્ય થઈ ગયો હતો. પહેલીવાર આ વિસ્તારમાં જોવા મળેલા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. લોકોએ આ અંગે વન વિભાગને જાણકારી આપી હતી. જેને પગલે વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડો પકડવાના પીંજરા મુકવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ખેડૂત જગ્દીશભાઈ નાગજીભાઈ કાકડિયા દરરોજની જેમ આજે સવારે ખેરડી રફાલ ગામની સીમામાં સ્થિત પોતાના ખેતરમાં પાણી આપી રહ્યા હતા. પાણીની મોટર સ્ટાર્ટ કરવા ગયા ત્યાં જ દીપડાએ ખેતરમાં બે કુતરાઓનો શિકાર કરીને અચાનક જગ્દીશભાઈ પર હુમલો કર્યો હતો. જેને કારણે તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે ખેડૂત દ્વારા બુમો પાડવામાં આવતા આજુબાજુના લોકો હથિયારો સાથે દોડી આવ્યા હતા. જને પગલે દીપડો ભાગી ગયો હતો.

ખેડૂત જગ્દીશભાઈ નાગજીભાઈ પર થયેલા દીપડાના હુમલા અંગે ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેને પગલે વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાને પીંજરામાં પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. વન વિભાગના અધિકારઓના મુજબ દીપડો રેવન્યૂ ક્ષેત્રમાં આવ્યો હોવાની આશંકા દર્શાવી છે. જોકે મોડી રાત્રી સુધી શોધખોળ કર્યા છતાં દીપડો પકડાયો ન હતો. હાલ સ્થાનીકોમાં ભયનો માહોલ છે.