મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને સિંચાઈ વિભાગના અધિકારીની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વસોયા ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં પૂરતું પાણી ન મળતું હોવા મામલે ભાદર-1 સિંચાઈ વિભાગના ડેપ્યૂટી ઇજનેર સાથે વાત કરતાં હોવાનું સ્પષ્ટ જણાય છે અને અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન અપાતા ઉગ્ર બનેલા વસોયા ડેપ્યૂટી ઈજનેરને અપશબ્દોમાં તતડાવી રહ્યા છે. તેમજ કેનાલમાં 24 કલાકમાં પૂરતું પાણી નહીં આવે તો જોયા જેવી થશે તેવી ચીમકી પણ લલિત વસોયા ઉચ્ચારી રહ્યા છે. 

ઓડિયોક્લિપમાં થયેલી વાતચીતના અંશો

વસોયા : સાહેબ જૂનાગઢ રોડનું લેવલ શું છે ?

અધિકારી : લલિતભાઈ હું રસ્તામાં છું થોડીવારમાં ડેમે પહોંચું

વસોયા : એમ નહીં પણ તમે પાણી છોડતા જ નથી. 1.5નું લેવલ છે હું અહીં ડેમે જ ઉભો છું. આ વ્યાજબી નથી થતું.

અધિકારી : તમને ટાઈમ હોય તો ડેમ સાઇટથી...

વસોયા તેમની વાત કાપીને : સાહેબ આ તમારી બેદરકારી છે. 

અધિકારી : જરાય બેદરકારી નથી. 

વસોયા : તો નીચે પાણી પહોંચાડવાની જવાબદારી તમારી છે ને? તમે 50 mcft નાખવાનું કહો છો પણ 7 દિવસમાં...

અધિકારી વચ્ચેથી વાત કાપીને : અમારાથી જેટલી થાય તેટલી કોશિશો કરીએ છીએ. તમે નજરે જોવો તો ખ્યાલ આવે

વસોયા : તમે કહો છો એ પ્રમાણે લેવલ નથી આવ્યું. તો પાણી જાય છે ક્યાં ?

અધિકારી : અમારો સ્ટાફ આ જ કામમાં છે અને અત્યારે કાર્યપાલક વ્યાસ સાહેબ સાથે મિટિંગ પણ થવાની છે. હું રસ્તામાં જ છું.

વસોયા: SRP બંદોબસ્ત મુકાવો ઉપરથી પાણી ન આવે તો નિચેવાળા ક્યાં જાય?

અધિકારી: અમે આખી રાત કેનાલ ઉપર હતા અને અત્યારે પણ મિટિંગ રાખી છે.

વસોયા: 24 કલાકમાં જૂનાગઢ રોડ 2.5 ફૂટ કરવું પડશે. બાકી તમારી સુરક્ષા માટે SRP ગોઠવી રાખજો હું ધડબડાટી બોલાવીશ.

આ સમગ્ર વાતચીતમાં ઉગ્ર બનેલા ધારાસભ્ય વસોયા દ્વારા ઘણી વખત અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને અધિકારીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જો કે આ ઓડિયો કેટલો સાચો છે તે તો તપાસનો વિષય છે. પરંતુ થોડો વખત પૂર્વે ધોરાજીના ફરેણી ગામે સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ તળાવને ઉંડા ઉતારવાની કામગીરી માટેનું નિમંત્રણ ન મળતાં કેબીનેટમંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં પણ વસોયાએ અધિકારીને ગાળો ભાંડી હતી. (અભદ્ર ભાષાના પ્રયોગને કારણે આ ઓડિયો અહીં દર્શાવયો નથી)