મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા ટેકાના ભાવ તેમજ પાક વીમા સહિતની બાબતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમાં પણ પાક વીમા મામલે સરકાર વીમા કંપનીઓને ફાયદો કરાવવા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉપલેટામાં કોંગ્રેસના MLA લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી હતી.

ઉપલેટામાં પાક વીમા મામલે કંપનીઓ દ્વારા થતા અન્યાય અંગે કોંગી ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વસોયા સહિત ખેડૂતોએ શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે વસોયાએ જણાવ્યું હતું કે, સરકારની મીઠી નજર હેઠળ ખાનગી વીમા કંપનીઓ ખેડૂતો સાથે ભારોભાર અન્યાય કરી રહી છે. ત્યારે આ મામલે જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.