મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: વડોદરા ખાતે આત્મહત્યા કરનાર પીએસઆઈ સંજયસિંહ જાડેજાને લઈને વિવાદ વકરી રહ્યો છે. તેમના નજીકના લોકો સહિત સમાજના લોકો પણ તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવા તૈયાર નથી. આ અંગે ઝીણવટભરી તપાસ જરૂરી હોવાનું માની રહ્યા છે. ગઇકાલે જ ગોંડલ તાલુકાનાં બંધીયા ગામના સરપંચ ઓમદેવસિંહ વાઘેલાએ આ મામલે આગામી તારીખ 29ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજરોજ કરણીસેના દ્વારા આ મામલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ કરણીસેનાનાં અગ્રણી દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં સંજયસિંહની આત્મહત્યા મામલે ઉંડી તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આજ સુધી આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં કરણીસેના દ્વારા દેખાવો કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેમજ તટસ્થ તપાસ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.