મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આજે સોમવારે રાજકોટ-વાંકાને૨ રોડ પ૨ના જીયાણા ગામ નજીક બે મહિના પૂર્વે લગ્ન કરનાર નવદંપતી બાઇક પર જઇ રહ્યા હતા. આ બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બંને દૂર સુધી ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે પતિ-પત્ની બંનેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બીજી તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક દંપતીની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ વાંકાને૨ના 30 વર્ષીય જીતેન સંજયભાઈ ધ્રાંગધરીયા અને પત્નિ ધર્મિષ્ઠાબેન ધ્રાંગધરીયા પોતાના બાઈક નં. GJ-3/HG/4927 પર રાજકોટ જઇ રહ્યા હતા. જીયાણા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને બંનેને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફંગોળાતા ગંભીર ઇજાને પગલે દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જો કે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ જાણ કરતા કુવાડવા પોલીસનો કાફલો દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જીતેન બે ભાઈઓમાં મોટો હોવાનું અને બે માસ પહેલા જ રાજકોટની ધર્મિષ્ઠા સાથે તેના લગ્ન થયા હોઈ પોતાના બાઇક પર ધર્મિષ્ઠાના પિય૨ જવા નિકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નવદંપતી પુત્ર-પુત્રવધૂનું અકાળે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી નાસી છૂટેલા વાહનચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.