મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેર પોલીસે ચારેક મહિના અગાઉ ગાંધીગ્રામ વિસ્તારમાં દરોડો પાડી કૂટણખાનાની સંચાલિકા સહિત ચાર ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે બે રૂપલલનાને છોડાવી હોવાનો દાવો પણ કર્યો હતો. આ કેસમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીના પિતાએ પોતાની દીકરીને ખોટી રીતે સંડોવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ અંગે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ મામલે હાઈકોર્ટ દ્વારા રાજ્યના પોલીસવડા, પોલીસ કમિશ્નર અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઇશ્યૂ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

ગત તા.15 જાન્યુઆરીના ગાંધીગ્રામ પોલીસે આ વિસ્તારમાં દરોડો પાડી એક મહિલા અને ચાર ગ્રાહકની ધરપકડ કરી હતી. આ મામલે નોંધેલી ફરિયાદમાં પોલીસે જણાવ્યું હતું કે, મહિલા બે યુવતીઓને પોતાના ઘરે બોલાવી બહારથી ગ્રાહકો બોલાવતી હતી. તેમજ બંને યુવતી પાસે લોહીનો વેપાર કરાવતી હતી. પોલીસે બંને યુવતીને આ કેસમાં સાક્ષી બનાવી હતી. બે પૈકીની એક યુવતીએ આ કેસમાં પોલીસે ખાર રાખી તેને ખોટી રીતે સંડોવી દીધાની અને તેની આબરૂ પર પોલીસે ઘા ઝીંક્યાનો દાવો કર્યો હતો.

યુવતીના પિતાએ આ મુદ્દે અગાઉ શહેર પોલીસ કમિશનર તેમજ રાજકીય આગેવાનો સમક્ષ ન્યાય માટે ખોળો પાથર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી નહીં થતાં યુવતીના પિતાએ આ અંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને પગલે હાઇકોર્ટે રાજ્યના પોલીસવડા, રાજકોટ શહેર પોલીસ કમિશનર, ગાંધીગ્રામ પીઆઇ, પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સામે નોટિસ ઇશ્યૂ કરી તમામને તા. 7 ઓગસ્ટના હાજર રહેવા આદેશ કર્યો છે.