મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: 31 ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને લઈ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાની પ્રેસ કોનફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ન્યૂ યર પાર્ટીના 8 જેટલા આયોજકોને સીસીટીવી કેમેરા તેમજ ખાનગી સિક્યુરીટી રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમજ શરાબ પીનારા શખ્સો સામે ગુના નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું. આ માટે શહેરના મુખ્યમાર્ગો પર આવેલા તમામ ચોકમાં 77 બ્રેથ એનેલાઇઝર સાથે જવાનો તૈનાત કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાત્રે 12ના ટકોરે તમામ આયોજનો બંધ કરવાના રહેશે. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા પોલીસ દ્વારા ખાનગી વેશમાં ફરજ બજાવવામાં આવનાર હોવાનું જણાવતા તેમણે છેડતીના બનાવો અટકાવવા પોલીસ કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત વાહન ચેકિંગ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી તેમજ બ્લેક ફિલ્મવાળા વાહનો સામે કડક પગલાં લેવાની ખાતરી પણ આપી હતી.