મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે કરાતાં ચેડાને અટકાવવા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દારોડનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા ચાર દિવસથી વિવિધ સ્થળો પર ખાદ્ય ચીજવસ્તુઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજરોજ શહેરના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગનો કાફલો ત્રાટક્યો હતો અને 5000 કિલો અખાદ્ય કેરી સહિત કાર્બાઇડના 4600 પાઉચનો નાશ કરવામાં આવ્યો હતો.

શહેરના માર્કેટીંગ યાર્ડમાંથી મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ થતું હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યાર્ડમાં આવેલી મોમાઇ ફ્રૂટ નામની દુકાનમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં આશરે રૂપિયા 2 લાખ 65 હજારની કિંમતની 5000 કિલો કેરી અને 4600 કાર્બાઇડની પડીકીનો નાશ કરાયો હતો. તેમજ દુકાન માલિક લક્ષ્મણભાઇ સરવૈયા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવી કેરી ખાવાથી પેટના રોગો તેમજ પેટનું કેન્સર થવાની શક્યતા વધતી હોવાનું નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.