મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : તહેવાર સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. આજરોજ શહેરના ફરસાણ તેમજ મીઠાઈના ઉત્પાદન તેમજ વેચાણ કરતા એકમો પર સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં વિમલ નમકીન, ખોડિયાર ડેરી સહિતની કુલ 6 જેટલી જગ્યાએ કરાયેલા ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં વાસી મીઠાઈ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. આરોગ્ય વિભાગે મીઠાઈ અને તેની સામગ્રી મળી અંદાજે 1655 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ તમામ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી વકરી રહેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. અને તાજેતરમાં જ શહેરની નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પણ મોટી માત્રામાં અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસો ફટકારવામાં આવી હતી. ત્યારે આગામી તહેવારોની સિઝનને લઈને આજરોજ મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતા મોટા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ હતું. ત્યારે આરોગ્ય વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ પર વધુ કડક કર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.