મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ધોરાજીના ભાદર-2 માં જેતપુરના ડાઇંગ એકમોનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના MLA દ્વારા આ માટે ભાદર બચાવો અભિયાન હાથ ધરાયું છે. જેમાં આગામી તા. 11ના રોજ તેમણે પોતાના સમર્થકો સાથે ભુખી ખાતે જળસમાધિ લેવાનું જાહેર કર્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલે વસોયાના આ ભાદર બચાવો અભિયાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમજ વસોયા અને તેમના સમર્થકો સાથે પોતે પણ જળસમાધિ લેવાની જાહેરાત કરતા તંત્ર દોડતું થયું છે. અને ભુખી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે કરોડોના ખર્ચે ધોરાજી, કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુધ્ધ પાણી માટે ભાદર-2 જૂથ યોજના બનાવી છે. પરંતુ જેતપુર વિસ્તારમાં આવેલ ડાઈંગ પ્રિન્ટિંગનાં ઓદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી પ્રોસેસ હાઉસમાં ટ્રીટમેન્ટ કરવાને બદલે સીધું નજીક લોકો દ્વારા ભાદર નદીમાં છોડવામાં આવે છે. જેને લઈને વિશાળ જળરાશી ધરાવતા ભાદર-2 અને ભાદર નદીનું પાણી પીવાના, કે વાપરવાના કામમાં લઇ શકાતું ન હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.