કુલીન પારેખ (મેરાન્યૂઝ.રાજકોટ): ભાદર નદીમાં પ્રદુષિત તેમજ કેમિકલ યુક્ત પાણી આવતા ધોરાજીના ધારાસભ્યએ લડાઈ લડી જળ સમાધિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તંત્ર સફાળું જાગતા પ્રદુષણ બોર્ડ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ભાદર નદીમાં પ્રદુષિત પાણી આવતું હોવાનું સામે આવતા અલગ અલગ 22 મુદાઓને લઇ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા જેતપુર ડાઇંગ એસોસીએશનને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં GPCB દ્વારા આગામી 14 તારીખ સુધીમાં તમામ ઉદ્યોગોના વીજ જોડાણ રદ કરવા PGVCL ને જાણ કરવામાં આવી છે. અને તમામ ઉદ્યોગોને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. 

જેતપુરના નિલ પ્રિન્ટર્સ, ધારેશ્વર જીઆઇડીસી એસોસિએશન તેમજ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે. જેમાં કારખાનામાંથી નીકળતા ગંદા અને કેમિકલયુક્ત પાણીનું શુધ્ધિકરણ કરવાનું હોય છે. ત્યારે આ કામગીરીના ચેકિંગ માટે સ્થાનિક ઓફિસર્સ 13 જૂન અને 23 જુલાઈના રોજ ચેકિંગ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન  પ્રદૂષણયુક્ત પાણીની તપાસ કરતા તેમાં કોન્સોલિડેટેડ કસેન્ટનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઈનલેટ પર ફ્લોમીટર ન હોવાથી ગંદુંપાણી ભાદર નદીમાં જતું હોવાનું સામે આવતા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.

જેતપુરના પ્રસિદ્ધ ઉદ્યોગને ક્લોઝર નોટિસ અપાતાની સાથે જ ચેમ્બર ઓફ કોમર્સે મધયસ્થી દાખવી ડાઇંગ એસોસિએશનને સાથે રાખી સરકાર સાથે બેઠક યોજી ઉદ્યોગોને બચાવવા માંગ કરી હતી. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈએ ધારાસભ્ય લલિત વસોયા પર આડકતરા આક્ષેપ કરી જણાવ્યું હતું કે , પ્રદુષણનો કોઈ પ્રશ્ન નથી કેટલાક લોકો ખોટા નિવેદનો અને પિટિશન કરી રહ્યા છે. તેમજ મોટા ભાગના મુદ્દાનો નિકાલ કરવામાં આવ્યો હોઇ આ ક્લોઝર નોટિસ રદ્દ થવાની શક્યતા દર્શાવી હતી. જ્યારે ધારાસભ્ય લલિત વસોયાએ આ ક્લોઝર નોટિસને પોતાના આંદોલન સાથે જ સ્થાનિક લોકોની જીત ગણાવી હતી.

એકતરફ ઉદ્યોગોમાંથી નિકળતા કેમિકલ યુક્ત અને પ્રદુષિત પાણી ભાદર નદીમાં ભળતા આસપાસના ગામોમાં તેની અસરો જોવા મળી રહી છે. સરધારપુર ગામમાંથી પસાર થતી આજી નદીમાં કેમિકલ યુક્ત પાણી સાથે બરફ જેવા ફીણ જોવા મળ્યા હતા. આ પાણીનો ખેતરમાં ઉપયોગ કરવાથી પાકને નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ પીવા માટે ઉપયોગ કરવામાં આવતા લોકોને ચામડીના રોગો તેમજ કેન્સર સહિતની ગંભીર બિમારી થતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને લોકો પણ આ કેમિકલ યુક્ત પાણીથી ત્રસ્ત છે. તેમજ આ ક્લોઝર નોટિસ માત્ર નાટક હોવાનું ઉપરાંત અવારનવાર ક્લોઝર નોટિસ અપાયા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું લોકો જણાવી રહ્યા છે.

બીજીતરફ જીપીસીબીની નોટિસના કારણે જેતપુરના 1500 જેટલા કારખાના બંધ થતા 40,000 કરતા વધારે મજૂરોના બેરોજગાર બનવાની શક્યતા છે. આ અંગે મજૂરોનું માનીએ તો તેમની રોજીરોટી છીનવાઈ રહી છે. મોટા ઉદ્યોગોના કારણે નાના ઉદ્યોગોને નોટિસ આપવી યોગ્ય નથી. જો ઉદ્યોગો બંધ થશે તો આગામી દિવસોમાં મજૂરોએ પણ રસ્તા પર ઉતરવાની તૈયારી દર્શાવી છે. તેમજ ઉધોગો ઠપ્પ કર્યા વિના પ્રદુષણ અટકાવવા માટે સાડી ઉદ્યોગમાં સ્ટીમ પ્રોસેસ કરી ગેરકાયદેસર ચાલતા ગ્રે ટુ પેક યુનિટ પર કાર્યવાહી કરવી જરૂરી હોવાનું પણ મજૂરોએ કહ્યું હતું.

ત્યારે સમગ્ર પ્રકરણમાં પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી આપેલ ક્લોઝર નોટિસને પગલે સુકા પાછળ લીલુ બળતું હોય તેવું લાગી રહ્યું છે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે ચાલતા 35 જેટલા ઉદ્યોગોને કારણે તમામે ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જેતપુરના સુવિખ્યાત સાડી ઉદ્યોગોને બચાવવા ડાઇંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોર્મસની સરકાર સાથેની મિટિંગ બાદ આ મામલનો સુખદ અંત આવે તે ખુબ જરૂરી છે. સાથે-સાથે જ પ્રદુષિત પાણીને નદીમાં છોડતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની પણ એટલી જ જરૂર છે. ત્યારે હવે આગામી સમયમાં સરકાર દ્વારા કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.