મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગત તારીખ 13 માર્ચના રોજ જુના માર્કેટિંગ યાર્ડમાં 15 કરોડથી વધુની કિંમતના બારદાનમાં આગ લાગી હતી. આ અંગેના FSL રિપોર્ટની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. તેમજ આ રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થવાની શક્યતા સેવાઇ રહી હતી. પરંતુ છેક પાંચ મહિના બાદ આવેલા FSLના રિપોર્ટમાં પણ માત્ર જ્વલનશીલ પદાર્થને કારણે આગ લાગી ન હોવાનું સામે આવતા આગ લાગવાનું સાચું કારણ હજીપણ અકબંધ રહ્યું છે.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જુના માર્કેટિંગ યાર્ડના બારદાનમાં લાગેલી આગનો FSL રિપોર્ટ આવી ચુક્યો છે. જેમાં માત્ર કોઈ જ્વલનશીલ પદાર્થથી આગ ન લાગી હોવાનું સામે આવ્યું છે. તેમજ આગ લાગી કે લગાડી એ અંગે રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે કરોડોના બારદાનમાં આગ લાગવાનું કારણ જાણવા પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, આગ લાગ્યા સમયે કેટલાક બારદાન બચી ગયા હતા. આ લાખોના બારદાન બારોબાર વેંચી નાખી ગુજકોટના મેનેજર દ્વારા કૌભાંડ આચર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આ મામલે સૌરાષ્ટ્ર ગુજકોટના મેનેજર મગન ઝાલાવડિયા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મગન ઝાલાવડિયા ઉપરાંત બાકીના 5 આરોપીના કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જેને લઈને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.