મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પેઢલા મગફળી કૌભાંડ મામલે પોલીસે ધરપકડ કરેલા તમામની સઘન પુછપરછ હાથ ધરી છે. પોલીસની આ પુછપરછમાં દરરોજ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. જેમાં ટ્રક ડ્રાઈવરોની પુછતાછ પણ આવી જ કેટલીક હકીકત સામે આવી છે. મગફળીમાં ભેળસેળ કરવા માટે માળીયા હાટીનાથી 4 ટ્રક ભરીને માટી, કાંકરા અને ધૂળનો જથ્થો લાવી 2 અલગ-અલગ સાડીના ગોડાઉનમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બીજી તરફ જેતપુરના વેપારીએ જ મગફળીમાં ભેળસેળ કરાવી હોવાનું મજૂરોએ કબુલ્યું હતું. મજૂરોએ જણાવ્યા મુજબ જેતપુરમાં અલંકાર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતો વિશાલ સખરેલીયા નામનો વેપારી કેશોદના ઓઈલ મીલર રાજેશ વડાલીયાને સારી મગફળી આપી દેતો હતો. સામે ઓઈલ મીલર રાજેશ ખરાબ મગફળી મોકલતો અને તેમાં અમે ધૂળ અને કાંકરા ભેળવીને બારદાનમાં ભરી દેતાં. આ પ્રકારની કબૂલાતથી પોલીસ પણ ચેંકી ઉઠી છે.

પોલીસે આ અંગે પણ ટ્રક ચાલકોની પૂછપરછ કરી દસ્તાવેજો પણ ચકાસતા વિશાલ અને રાજેશની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલંકાર ટ્રેડર્સમાં તપાસ કરતાં બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ વધારવા બન્નેના રિમાન્ડ માગ્યા હતા જે 9 દિવસના મંજૂર થયા છે. અને ગુજકોટના સુધીર મલ્હોત્રાની પણ આકરી પૂછતાછ કરવામાં આવી રહી છે. જો કે તેણે મગન ઝાલાવડિયાને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું.