મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સરકાર દ્વારા બેટી બચાઓ, મહિલા સુરક્ષા, મોડી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત ક્યાંય જઈ શકે વગેરે વગેરે જેવા મોટા-મોટા દાવા કરાઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં ગામડાઓ તો ઠીક શહેરોમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં શહેરના ભગવતીપરામાં ૨હેતી યુવતી સાથે પાડોશમાં ૨હેતા પરિણીત શખ્સે તેની છેડતી કરી હતી. આ શખ્સને ઠપકો આપવો કે તેની સામે ફરિયાદ નોંધાવવાના બદલે તેની પત્ની સહિતના પરિવારે યુવતીની પવિત્રતા ચકાસવા માટે તેના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા. બાદમાં પોલીસને માહિતી મળતાં કાર્યવાહી હાથ ધરી હતી અને છેડતી કરનાર આરોપીને દબોચી લીધો હતો, પરંતુ તેની પત્ની ફરાર થઈ ગઈ હતી.

આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહે૨ના ભગવતીપરા વિસ્તા૨માં ૨હેતી યુવતિની તેના પાડોશમાં ૨હેતા રાહુલ પ૨મા૨ નામના શખ્સે છેડતી કરી હતી. આ બાબતે યુવતીએ છેડતી કરનારની પત્ની સહિતના પરિવારજનોને જણાવતા તેઓએ રાહુલ આવી હ૨ક્ત કરે તે વાત સ્વીકા૨વાનો ઈન્કા૨ ર્ક્યો હતો. એટલું જ નહીં ઉલ્ટું યુવતીની પવિત્રતા પ૨ શંકા વ્યક્ત ક૨તા મામલો ઉકળતા તેલમાં હાથ બોળવા સુધી પહોંચ્યો હતો અને છેડતી ક૨ના૨ શખ્સ તથા તેની પત્નીએ યુવતીને ઉકળતા તેલમાં હાથ બોળવા મજબુ૨ કરી હતી.

પોતાના ચારિત્ર્ય પ૨ ઉઠેલા સવાલોથી વ્યથિત થઈ યુવતીએ પણ ઉકળતા તેલમાં હાથ બોળી દીધા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે, આ તકે યુવતીનો મંગેતર હાજર હતો, પરંતુ આરોપી તેનો કૌટુંબિક સગો થતો હોવાથી મંગેતરે પણ તેણીને આમ કરતા અટકાવવાનો પ્રયાસ સુધ્ધા કર્યો ન હતો. આ ઘટના બની તે સમયે યુવતીના માતા-પિતા કોઈ કામ અર્થે બહા૨ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ બાદ દાઝી ગયેલી યુવતીને સા૨વા૨ માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. મામલો પોલીસમાં પહોંચતા પોલીસે છેડતી કરનાર આરોપીને દબોચી લીધો હતો. જો કે તેની પત્ની નાસી છૂટવામાં સફળ થતા પોલીસે તેણીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.