મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને ઠેર-ઠેર ભારે સમર્થન મળી રહ્યું છે. અને હાર્દિકની તરફેણમાં સરકાર વિરૂધ્ધ રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક ખેડૂતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉપલેટાના અમૃતભાઈ ગજેરા આજે બપોરે 4:30 કલાકે વિજય રૂપાણીના નિવાસસ્થાને આત્મવિલોપન કરવાના હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા મુખ્યમંત્રીના ઘર આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચીમકી આપનાર ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી.

વાયરલ વીડિયોમાં અમૃતભાઈ ગજેરા જણાવે છે કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાતની અંદર અનામતનું આદોલન ચાલી રહ્યું છે. અને અમદાવાદમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેમની રોજબરોજ તબીયત લથડી રહી છે. છતા પણ ઘોર નિદ્રામાં સુતેલી ગુજરાત સરકાર નથી તો માગણી સ્વીકારતી, કે નથી દેવા માફ કરતી. મને કોઇ આત્મવિલોપન કરવાનો શોખ નથી પણ ગુજરાતના ખેડૂતો કરજાના ડુંગર નીચે દબાઇ હતાશ થઇ ગયા છે. વારંવાર અનામતનું આદોલન ચાલે છે. પણ ગુજરાત સરકાર દરેક વખતે લોલીપોપ આપી આ પ્રશ્નોનો સંકેલો કરી લે છે. તો આ અનામત આદોલન અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટેના સમર્થનમાં ગુજરાતના CM વિજય રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને બપોરે 4:30 કલાકે આત્મવિલોપન કરીશ. જોકે આ ખેડૂતની અટકાયત કરી લેવામાં આવી છે.