મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ શહેરના નામી બિલ્ડરનો દિકરો શંકાસ્પદ રીતે ગુમ થયો છે. જાણિતા બિલ્ડર બાબુભાઈ સખિયાનો દિકરો કિશોર સખિયા લોનના કામથી મુંબઈ ગયો હતો. પાછો આવતી વખતે અમદાવાદથી તેનો સંપર્ક તૂટી ગયો હતો. જેને પગલે અપહરણ થયાની આશંકાથી પરિવાર દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ કેસની તપાસમાં લાગી ગયા છે.

રાજકોટના જે કે હોલવાલાના નામથી જાણિતા બિલ્ડર બાબુભાઈનો દિકરો મુંબઈથી રાજકોટ આવવા માટે નિકળ્યો હતો. પરંતુ મોડી રાત્રે 2 વાગ્યે અમદાવાદ પહોંચ્યા બાદ તેનો મોબાઈલ અચાનક બંધ થઈ ગયો હતો. કિશોરના ગાયબ થવા પાછળ ઘમા પ્રકારની આશંકાઓની વાત સામે આવી રહી છે. શહેરના ગોંડલ રોડ સ્થિત કાંગશિયાલ વિસ્તારમાં આસ્થા રેસિડેન્શિયલ અને કત્પવન નામના પ્રોજેક્ટ પર કામ કરી રહેલો કિશોર સખિયા કેટલાક સમયથી આર્થિક તંગીથી પસાર થઈ રહ્યો હતો.

આર્થિક મુશ્કેલીઓનો હલ નિકાળવા માટે મોટી લોન લેવાના કામેથી તે મુંબઈ ગયો હોવી જાણકારી સામે આવી છે. ટ્રેનમાં રાજકોટ પરત આવતા તે અમદાવાદ સ્ટેશનથી અચાનક ખોવાઈ ગયો છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ દ્વારા કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરી દેવાઈ હતી. જોકે તેના ગુમ થવાના કારણમાં અપહરણ છે કે કોઈ અન્ય કારણથી કિશોર ગાયબ થયો છે, તેની કોઈ જાણકારી હજુ મળી રહી નથી પરંતુ વાતની જાણકારી મળતાં સંબંધી અને દોસ્તો ટેકો આપવા તુરંત તેમના ઘરે દોડી ગયા છે અને લોકોમાં ઘણી અલગ અલગ ચર્ચાઓ થવા લાગી છે.