મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: હાલ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે. એકાઉન્ટમાંથી જૂની તમામ પોસ્ટ દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં તેના સ્થાને વિદેશી યુવતીના ફોટાઓ મૂકી દેવાતા ખુદ સાગઠિયા પણ ચોંકી ઉઠ્યા છે અને તેમના દ્વારા પણ આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવનાર છે.

આ અંગે વશરામ સાગઠિયાએ મેરાન્યૂઝ સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે સવારે જ મારા એક નજીકના મિત્ર દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી. અને હું શહેર બહાર હોવા છતાં તુરંત જ મે પોલીસ કમિશ્નર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમનો સમય મેળવ્યો હતો. જે મુજબ સાંજે 4:30 વાગ્યે હું તેમને મળવા જઈ રહ્યો છું. ત્યારબાદ ધોરણસર ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ અંતમાં તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાના ફેસબુકમાં બે એકાઉન્ટ છે. જે પૈકી એક એકાઉન્ટ તેમણે ગત ચૂંટણી સમયે બનાવ્યું હતું. આ પૈકી એક એકાઉન્ટમાં ચેડા કરવામાં આવ્યા છે. જેને પગલે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવનાર છે.