મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ પોતાના કરિયરમાં પહેલી ટેસ્ટ મેચ અને પહેલી જ મેચમાં સદી ફટકારનાર ખેલાડી તરીકે પૃથ્વી શોએ પોતાનું નામ નોંધાવી દઈ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. શહેરના જામનગર રોડ પરના ખંઢેરી મેદાનમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ જંગનો આજથી પ્રારંભ થયો છે. આ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ  કરનાર પૃથ્વી શોએ 99 બોલમાં 100 રન ફટકાર્યા છે. જેને પગલે કેપ્ટન વિરાટ કોહલીએ પૃથ્વીને ટેસ્ટ કેપ પહેરાવી હતી. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટ તેમજ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે.

ભારતે ટોસ જીતી બેટિંગ લીધો હતો. જેમાં ઓપનર પૃથ્વી શોએ ટેસ્ટ કારકિર્દીના પ્રથમ જ બોલમાં ત્રણ રન લીધા હતા. જો કે લોકેશ રાહુલે પ્રથમ બોલમાં જ પોતાની વિકેટ ગુમાવી હતી, પરંતુ પૃથ્વી શોએ બાજી સાંભળી હતી અને ધુંઆધાર બેટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. આજે ખંઢેરી મેદાનમાં ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ભારત દાવમાં આવતા સ્ટેડિયમમાં ચાહકોનો ઘસારો વધ્યો હતો. તેવામાં પૃથ્વીએ ફાટકારેલી સેન્ચ્યૂરીને લઈને ક્રિકેટ પ્રેમીઓની ચીચીયારીઓ ગુંજી ઉઠી છે.

ભારતની ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અને ઉમેશ યાદવ સહિતના ખેલાડીઓ છે. જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમમાં કેપ્ટન બ્રેથવેટ, પોવેલ, હેતમ્યાર, હોપ, ચેઝ, સુનિલ અંબરીશ, ડોરવીચ (વિ.કી.), કીમો પોલ, બીસુ, અને લુઈસ ગ્રેબીયલ રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન જેશન હોલ્ડર ઈન્જર્ડ હોઈ પ્રથમથી જ મેચમાંથી ખસી ગયો હતો.