કુલીન પારેખ (મેરાન્યૂઝ, રાજકોટ): બોલીવુડની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ની મુકબધીર બાળકી એટલે કે શાહિદા કે જે તેના પરિવારથી વિખુટી પડ્યા બાદ પરિવાર સાથે મળવા અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. જેમાં સોશિયલ મીડિયા સહિત ટેલિવિઝન મીડિયાની મદદથી આખરે તેનું પરિવાર સાથે મિલન થાય છે. આવો એક કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો છે. જેમાં પરિવારથી વિખુટી પડેલી ‘મુકબધીર ઝાહીદા’ નામની યુવતી પણ કોઈ ‘બજરંગી ભાઈજાન’ની આતુરતાથી રાહ જોઈ રહી છે.રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પરિવારથી વિખુટી પડેલી યુવતીઓ અને મહિલાઓને રાખવામાં આવે છે. અહીં તેને રહેવા જમવાની સુવિધા સાથે પગભર થવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં ઝાહીદા નામની એક મુકબધીર યુવતિ છેલ્લા 10 મહિનાથી રહે છે. આ યુવતી વિશે જણાવતા ગૃહના પ્રોટેક્શન ઓફિસર જનકસિંહ ગોહિલ કહે છે કે, તારીખ 8 સપ્ટેમ્બર 2017ના રોજ રાજકોટ તાલુકા પોલીસ મોરબી રોડ પર પેટ્રોલિંગમાં હતી.  દરમિયાન આશરે 30 વર્ષીય યુવતી મળી આવી હતી. યુવતી જ્યારે પોલીસને મળી ત્યારે તેની પાસે એક બેગ હતી. આ બેગમાં રહેલી ચિઠ્ઠીથી તેનું નામ ઝાહીદા હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવતી મુકબધીર હોઈ પોલીસે તેને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણગૃહ ખાતે લાવવામાં આવી હતી. અહીં તેણીનું મેડિકલ ચેકઅપ કરાવી, મુકબધીરની સાંકેતિક ભાષાના નિષ્ણાંતની મદદથી તેની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં માલુમ થયું હતું કે, ઝાહીદાને ત્રણ બાળકો છે. અને તેણી એક બહેન સાથે રહેતી હતી. પોતાના આ પરિવારને છોડીને તેણી બારીમાંથી કૂદકો મારીને નાસી છૂટી હતી. જો કે હવે તેને પોતાના પરિવાર અને બાળકો પાસે જવાની ઈચ્છા હોવાનું પણ સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું. પરંતુ ઝાહીદા સારી રીતે સાંકેતિક ભાષા જાણતી ન હોવાને કારણે પોતાનું સરનામુ અને પરિવારના સભ્યોના નામ જણાવી શકતી નથી. જેથી હવે ઝાહીદાનો ફોટો તેને પોતાના પરિવાર સાથે મિલન કરાવી શકે તેમ છે.

નારી સંરક્ષણ ગૃહમાં રહેતી કોઈપણ યુવતિ કે મહિલાને જ્યારે તેનો પરિવાર મળે ત્યારે તેની સાથે મોકલી આપવામાં આવતી હોય છે. આ પરંપરા અનુસાર જ્યારે કોઈ પોતાના પરિવાર પાસે જવા વિદાય લે છે., ત્યારે આ ઝાહીદા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કારણકે તેને પણ પોતાના પરિવારને મળવું છે. પરંતુ વિકલાંગતા-નિરક્ષરતા તેના માટે વિઘ્ન બની ગઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું". આ ઝાહીદાને તેના પરિવાર સાથે મેળવવા કોઈ ‘બજરંગી ભાઇજાન’ આવશે કે નહીં તે જોવું રહ્યું.