મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: દેશભરમાં વધી રહેલી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં વાણીયાવાડી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવાળીયાના ઘર નજીક 'આ દેશની મોંઘવારી વધારનાર મહિષાસુર' લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની સરકાર અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળાદહન કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે કોંગ્રેસના આ કાર્યક્રમમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે,  દેશમાં જે રીતે મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે. તેને લઈને મધ્યમવર્ગની પ્રજા ત્રાહિમામ પોકરી ઉઠી છે. ત્યારે અમે આ માટે વડાપ્રધાન મોદીને જવાબદાર માનીએ છીએ અને પ્રજાને ભાવવધારાથી રંજાડનાર આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિષાસુર નામના રાક્ષસ માનીએ છીએ. જેને લઈને 'આ દેશની મોંઘવારી વધારનાર મહિષાસુર' લખી તેમના પૂતળાનું દહન કર્યું છે. સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે જરૂરી પ્રયાસો નહિ કરવામાં આવે તો આગામી સમયમા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.