મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગઈકાલે ગુજરાત ભાજપ સભ્ય લખેલી કારમા 3 શખ્સોએ શહેરના લીમડા ચોક ખાતે ચિક્કાર નશાની હાલતમાં પોલીસકર્મી સાથે બોલાચાલી કરી હતી. આ મામલે ભાજપના હોદ્દેદારો દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોને ઓળખવાનો ઇન્કાર કરાયો હતો. જો કે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર બીશુ વાળા સહિત કુલ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય લખેલી કારમાં બે શખ્સો દારૂનો નશો કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ કાર ચાલક અને અન્ય એક શખ્સે નશાની હાલતમાં પોલીસ સાથે બોલાચાલી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે ભાજપના હોદ્દેદારો પોતે આ શખ્સોને ઓળખતા ન હોઈ કોઈપણ હોય કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી. બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ અંગે તપાસ હાથ ધરી હતી. 

આ મામલે આજ રોજ સવારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમા બીશુ વાળા સહિત બે અજાણ્યા શખ્સો સામે માર મારવાનો અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, બીશુ વાળા ફાયનાન્સનો મોટો વેપાર ધરાવે છે. આમ તો તેનો ભાજપમાં કોઈપણ હોદ્દો નથી. પરંતુ ભાજપના ટોચના નેતાઓ સાથે અંગત સંબંધો ધરાવે છે. અગાઉ તેના પુત્રોએ પોતાની સગી બહેનને મોતને ઘાટ ઉતારી હોવાનો બનાવ સામે આવ્યો હતો.