મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં સીટી બસ ચાલકોની દાદાગીરી વારંવાર સામે આવતી હોય છે. જેમાં આડેધડ બસ ચલાવીને અન્ય વાહનચાલકો સાથે માથાકૂટ થવાના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે આવા જ વધુ એક બનાવમાં પેસેન્જર ભરવા મુદ્દે સીટી બસના સંચાલકો દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે એક રિક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જો કે રિક્ષા ચાલકે તમામ બસોના કાંચ ફોડવાની ધમકી આપી હોવાનો આક્ષેપ વાયરલ થયેલા વીડિયોમાં સીટી બસના સંચાલકો જણાવી રહ્યા છે, પરંતુ આ રીતે કાયદો હાથમાં લેવો યોગ્ય ન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

શહેરના ત્રિકોણ બાગ પાસે કોઠારીયા-મેટોડા રૂટ નંબર 15ની  બસના ચાલક અને એક રિક્ષા ચાલક વચ્ચે પેસેન્જર ભરવા મામલે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા બસ સંચાલકે રિક્ષા ચાલકને લમધાર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રિક્ષા ચાલકને માર મારવા સાથે તેણે બસોના કાંચ ફોડવાનું કહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે રિક્ષા ચાલક પોતે આવું કાંઈ કહ્યું હોવાનો ઇનકાર કરી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ખરેખર સત્ય શું છે તે તપાસનો વિષય છે, પરંતુ રિક્ષા ચાલકને જે રીતે માર મારવામાં આવી રહ્યો છે તે ખરેખર નિંદનીય છે.