મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ઘરે ગુરૂવારે પુત્રીનો જન્મ થયો છે. વર્ષ 2013માં ચેતેશ્વર અને પૂજા પાબારી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ 30 વર્ષીય પૂજાએ ગુરૂવારે બપોરે 1 કલાક 33 મિનિટ 3 કિલો વજનની પુત્રીને જન્મ આપતા જ પરિવારમાં તહેવારનો માહોલ છવાયો હતો. આ સમાચાર મળતા જ ચેતેશ્વર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને દિલ્હીથી રાજકોટ આવવા માટે ઉડી નિકળ્યો હતો. ચેતેશ્વરે પોતાની દીકરીનો પ્રથમ ફોટા સાથે પોતાની ખુશી સોશિયલ મિડિયાના ચાહકો સાથે શેર કરી હતી.

આ ફોટા સાથે ચેતેશ્વરે લખ્યું હતું કે, નાના મહેમાનનું સ્વાગત છે. અમને મળેલા નવા રોલથી અમે ખૂબ જ ઉત્સાહીત છીએ. અમે માત્ર સ્વપ્ન જોયું હતું તેણીએ આ સ્વપનને હકીકતમાં બદલ્યું છે. આ ફોટો સોશિયલ મિડિયામાં શેર થતા જ ધડાધડ વાઇરલ થયો છે અને ચેતેશ્વરના ચાહકો સોશિયલ મિડિયાના માધ્યમથી અભિનંદનનો રીતસરનો વરસાદ વરસાવી રહ્યા છે. ચેતેશ્વરના પિતા બનવાની ખુશી તેના ચાહકોમાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની ટીમ વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ચેતેશ્વર સેમિફાઇનલ રમવા ટીમ સાથે જોડાશે.