મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના પરાબજાર વિસ્તારમાં ચા માં ભેળસેળ કરવાનું કૌંભાડ ઝડપાયું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પરા બજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં દર્શન ટી દ્રારા તૈયાર કરવામાં આવતી ચાની ભુકી અખાદ્ય અને ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યુ હતુ. આરોગ્ય વિભાગે આવી ભેળસેળયુક્ત ચાનો 1200 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે ચા બનાવવા માટે એક વખત ઉપયોગ થયેલી ચામાં કેમિકલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતી હતી.

કઇ રીતે કરાતી ભેળસેળ..?

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે પેઢીના માલિક દ્રારા ટ્રાન્સપોર્ટમાં નીચે પડી ગયેલી ચા અને ચાની લારીઓમાં એક વખત ઉપયોગમાં લેવાય ચૂકેલી ચાનો જથ્થો ખરીદવામાં આવતો હતો. ત્યાર બાદ આ જથ્થાને સૂકવીને તેમાં લાકડાનું ભુસૂ ઉમેરવામાં આવતુ હતુ અને પછી તેમાં કેમિકલ ઉમેરીને તેનું મિશ્રણ કરીને સૂકવવામાં આવતુ હતુ.

હાલ તો આરોગ્ય વિભાગે ચાની ભુકી અને કેમિકલના નમૂના લઇને પરિક્ષણ માટે મોકલી આપ્યા છે. જ્યારે 1200 કિલો ચા અને કેમિકલનો જથ્થો સીઝ કરીને ફુડ એન્ડ સેફ્ટી સ્ટાર્ડડ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સસ્તાની લાલચમા આવી ખાદ્ય ચીજવસ્તુ ખરીદ કરતા લોકો માટે ચેતવાની જરૂર છે કારણકે સસ્તાની લાલચમાં વેપારીઓ ભેળસેળ યુક્ત પદાર્થનું વેચાણ કરતા હોવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.