મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીંકઅપ માટેનો અદ્યતન સોફટવેર અમલી બનાવ્યો છે. આ સોફ્ટવેરમાં સીધી સેટેલાઇટ મારફત આ કામગીરી થતી હોવાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે 300 જેટલા વેપારીઓ સસ્તા અનાજ એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ નરેન્દ્ર ડવની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. વેપારીઓએ 31 માર્ચ સુધીમાં સોફ્ટવેરની ખામી અને અધિકારીઓની હેરાનગતિ દૂર કરવાની તેમજ જો આમ ન થાય તો ઈચ્છામૃત્યુની મંજૂરી આપવાની રજૂઆત કરી હતી.

વેપારીઓએ કલેક્ટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, એકતરફ રાજ્ય સરકાર દ્વારા 1 માર્ચથી નવા સોફટવેરની કામગીરી અમલી બનાવવામાં આવી છે. આ કામગીરીમાં સોફટવેર મોટાભાગે બંધ થઇ જતું હોવાના કારણે દરરોજ ગ્રાહકો સાથે ઘર્ષણ થાય છે. બીજીતરફ ઝોનલ કચેરી-1 અને 2ની કચેરીના અધિકારીઓ દ્વારા પરવાનેદારોને રોજ SMS મોકલી કલેકટરના નામે તતડાવવામાં આવે છે. રોજેરોજ આવી ઘટનાઓ બની રહી છે. સરકારી તંત્રની નાહકની કનડગતના કારણે વેપારીઓ દુકાન ખોલી શકતા નથી.

નવા સોફ્ટવેર દ્વારા ઝડપી કામગીરી થવાને બદલે એક બીલ 15 મિનિટે નીકળતું હોવાની ફરીયાદ ઉઠી છે. ધીમી કામગીરીના કારણે દુકાનદાર સાથે ગ્રાહકોની રોજ બોલાચાલી અને ઘર્ષણના બનાવો થઇ રહ્યા છે. આ અંગે વેપારીઓએ તાજેતરમાં હડતાલ પાડી વિરોધ દર્શાવ્યો હતો. પરીણામે સરકારે વેપારીઓની માગણી અંગે યોગ્ય કરવાની ખાતરી આપતા હડતાલ સમેટી હતી.

પરંતુ તેના અઠવાડીયા બાદ પણ આ પ્રશ્ર યથાવત રહેતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને વેપારીઓએ કલેકટર તેમજ પુરવઠા અધિકારીને આવેદન પાઠવી 31 માર્ચ સુધીમાં આ પ્રશ્નોનું નિરાકરણ અથવા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ઇચ્છામૃત્યુ અંગે ચુકાદા મુજબ મંજૂરીની માંગ કરી હતી.