મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે વિપક્ષ ઉપરાંત સામાન્ય લોકોમાં પણ સરકાર માટે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે હવે તો ભાજપના જ એક અગ્રણીએ પણ સરકાર સામે બાયો ચડાવી છે. અને પેટ્રોલ-ડીઝલના ભાવ રૂપિયા 40  આસપાસ નહીં આવે ત્યાં સુધી કારનો ઉપયોગ બંધ કરીને સાયકલનો જ ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે સરકારનો અનોખો વિરોધ કરનારા રમેશ રામાણી વોર્ડ નં.17માં ભાજપના ઉપ્રમુખ છે અને દરરોજ 3 કિમીથી વધુ સાયકલિંગ કરે છે.

રમેશ રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યો અને સંસદ સભ્યો સરકારી ખર્ચે કાર અને સરકારી ખર્ચે ભોજન કરતા હોઈ પ્રજાનો અવાજ સાંભળતા નથી. પોતે પોતાના બુથમાં મત માટે જાય છે ત્યારે લોકો જાકારો આપે છે. તેમજ પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની માંગ કરે છે. ત્યારે સાયકલ ચલાવીને ભાજપના નેતાઓની આંખ ઉઘાડવા માટે પોતે આ નિર્ણય કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

આ સાથે જ ટૂંક સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. રમેશ રામાણીની સાથે તેમના જ વોર્ડના અન્ય 25થી વધારે લોકોએ પણ આવી પ્રતિજ્ઞા લીધી છે. આ તમામનું માનવું છે કે અમે પહેલા સાયકલ ચલાવીશું તો જ બીજાને કહી શકાશે. બિલ્ડર રમેશ રામાણીનું માનવું છે કે, આપણાં પ્રધાનમંત્રી દિવસના 18 કલાક કામ કરે છે. તો આપણે પણ દેશ માટે આટલું તો કરવું જ જોઈએ.