મેરાન્યૂઝ.રાજકોટઃ સૌરાષ્ટ્રના કેપિટલ એવા અને મુખ્યમંત્રી રુપાણીના હોમ ટાઉન રાજકોટને ભાજપનું ગઢ માનવામાં આવે છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાની પહેલી ચૂંટણી અહીંથી લડીને જે તે સમયે મુખ્યમંત્રી બન્યા હતા. આવનારી ચૂંટણીઓમાં પણ તેઓ રાજકોટ કે વડોદરાથી લડે તેવી અટકળો ચાલી હતી. જોકે જો નરેન્દ્ર મોદી અહીંથી નથી લડતા તો, વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું રિપીટ થવાનું લગભગ નક્કી મનાય છે.

મોહન કુંડારિયાનો પરિચય

રાજકોટ સીટ પર પાટીદારોનું પ્રભુત્વ છે. કુડારિયા પણ પાટીદાર સમાજના નેતા છે. 2014માં પહેલીવાર સાંસદની ચૂંટણી લગભગ અઢી લાખ વોટોથી જીતીને તેમણે કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું હતું અને રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ જેવી સુવિધાઓ અપાવવામાં તેમનું યોગદાન હોવાનું મનાય છે. રાજકીય રુપે કુંડારિયા એક નર્વિવાદીત વ્યક્તિત્વ ધરાવે છે. જોકે ગત વખતે પણ તેમણે આંતર વિગ્રહનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેનાથી કાંઈ ખાસ ફેર પડવાની સંભાવના લાગતી નથી.

કોંગ્રેસ કાંઈક અનોખું કરવાના મુડમાં

રાજકોટની સીટ પર પાટીદારોના પ્રભુત્વથી કોંગ્રેસ પણ સારી રીતે વાકેફ છે અને કહેવાય છે કે કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર જ અહીંથી ઊભા રાખવા માગે છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ દ્વારા પાટીદારોની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કે તેમના પુત્ર શિવરાજ પટેલને મેદાનમાં ઉતારવાના પ્રયત્નો કરી રહી હોવાનું સંભળાય છે. જોકે નરેશ પટેલ રાજનીતિથી દૂર રહેવાની વાત કરે છે. પરંતુ શિવરાજ વિધાનસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના પોતાના મિત્ર રહેલા ઉમેદવારોના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા. જેને પગલે કોંગ્રેસના આ પ્રયત્નો સફળ રહે તેની શક્યતાઓને નકારી શકાતી નથી.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો પરિચય

શહેરના મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર બનેલા ખોડલધામના નિર્માણમાં નરેશ પટેલનું મહત્વનું યોગદાન છે. ન ફક્ત રાજકોટ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પાટીદારોમાં પણ નરેશ પટેલની સાફ છબિ છે. તેમની સામે જો કોઈ ઉમેદવાર ઊભો રહી જાય તો તેમને હરાવવું લગભગ અશક્ય બરાબર છે. આમ તો નરેશ પટેલ પોતાને રાજનીતિથી દૂર રાખવાની વાત કરે છે પરંતુ હાલમાં જ એક સામાજીક કાર્યક્રમમાં તેમણે સમાજને આગળ વધારવા માટે સમાજના લોકોને રાજનીતિમાં આવવાની સલાહ આપી હતી. તેવામાં તેમણે કે તેમના દિકરા શિવરાજની રાજકારણમાં આવવાની શક્યતાઓને વધી જાય છે.

આપને જણાવી દઈએ કે, ભાજપ જો કોઈ કારણથી કુંડારિયાને રિપીટ નથી કરતી તો, તેવામાં મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને તક મળવાની શક્યતાને નકારાય તેમ નથી. બીજી તરફ જો કોંગ્રેસ નરેશ પટેલ કે શિવરાજને મનાવવામાં સફળ થઈ જાય છે તો, ટંકારાના ધારાસભ્ય લલિત કથગરાના નામ પર મહોર લાગવાની પ્રબળ શક્યતા છે. પરંતુ નરેશ પટેલ કે તેમના દિકરા ઉપરાંત કોઈ પણ ઉમેદવાર પર ભાજપું ગઢ હોવાના નાતે કોંગ્રેસને જીત મળે તેવા અણસાર ઓછા દેખાઈ રહ્યા છે.