મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આજરોજ જેતપુરના પેઢલા ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતીક ઉપવાસ કર્યા હતા. તેમજ ગોંડલ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ આ સહકારી મંડળી દ્વારા 1.80 લાખ ગુણી મગફળીની ખરીદી કરી હોવાનું જણાવી આ ગોડાઉન સિવાયના અન્ય ગોડાઉનમાં રહેલી 1.50 લાખ ગુણી મગફળીની તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જો કે આ મામલે મુખ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાતા રાજ્યના કૃષિમંતત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ જવાબદારી નાફેડ પર ઢોળી દીધી હતી.

આ પત્રકાર પરિષદમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે  સૌ- પ્રથમ ખેડૂતોના હિત માટે ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. જે પૈકી 4.5 લાખ ટન મગફળી ઓઇલ મિલોને વેચી નાખી છે. જેમાં કોઈ ફરિયાદ નથી. આટલી મોટી ખરીદીમાં નાના-મોટા કૌભાંડ થાય તેના લીધે છાશવારે ખોટા આક્ષેપો કરવાને બદલે સરકારની ખેડૂતલક્ષી કામગીરીની પ્રશંસા કરવી જોઈએ! તેમજ ગોંડલ, શાપર સહિતની જગ્યાઓ પર લાગેલી આગ સહિતના મુદ્દા ઉડાવી દીધા હતા. તેમજ કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળ્યાનો અને ખેડૂત લૂંટાયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવતા આર.સી. ફળદુએ કહ્યું હતું કે, મગફળી કૌભાંડ મામલે પરેશ ધાનાણી રાજકીય રોટલા શેકી રહ્યા છે. કોંગ્રેસના લોકો તો અબોલ પશુઓના મોઢા પાસે મૂકેલું ઘાસ ચાવી જવા વાળા લોકો હોવાનું  પણ કહ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળી ખરીદીની સંપૂર્ણ જવાબદારી નાફેડને સોંપવામાં આવી હતી. આ અંગેની ફરિયાદો મળતા જ રાજ્ય સરકારે નાફેડનું ધ્યાન દોર્યું હતું. અને જે-તે મંડળી સામે ફરિયાદ દાખલ કરી ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.