મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : ગોંડલ ચોકડી પાસે રહેતા અને કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય સુરેશ ચૌધરી નામના યુવાનને કેનેડામાં મોલમાં નોકરી અપાવી દેવાના બહાને રૂ.21 હજારની ઠગાઈ કરનાર અમદાવાદના રોહિત ઉર્ફે વિક્રમ નામના શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી અમદાવાદના  રોહિત ઉર્ફે વિક્રમ નામના શખ્સની મોબાઈલ નંબરના આધારે શોધખોળ શરૂ કરી હતી. જેમાં અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં નીરવ રો હાઉસમાં રહેતા રોહિત ઉર્ફે રાહુલ ઉર્ફે વિક્રમ અજીતકુમાર ટેલર નામનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે આઠ સિમકાર્ડ, ત્રણ મોબાઈલ, ત્રણ એટીએમ કાર્ડ અને રૂપિયા 21 હજાર રોકડા પણ કબજે કર્યા હતા.

પોલીસની આકરી પૂછપરછ અને તપાસમાં બહુનામધારી રોહિત ઉર્ફે વિક્રમ ટેલરે અખબારોમાં વિદેશમાં નોકરી અપાવી દેવાની જાહેર ખબર આપી નોકરી વાંચ્છુકોને ફસાવતો હોવાનું કબુલ્યું હતું. તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતનાં શહેરોમાંથી 200 કરતા વધુ વ્યક્તિઓને શીશામાં ઉતારી રૂ.17થી 20 લાખ ખંખેરી લીધા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે રોહિત ઉર્ફે વિક્રમ ટેલરને તા.23મી સુધી રિમાન્ડ પર મેળવી અન્ય સાગરિતો કોણ-કોણ અને વધુ કેટલી વ્યક્તિઓ સાથે છેતરપીંડી કરી છે તે સંદર્ભે તપાસ હાથ ધરી છે.