કુલીન પારેખ (મેરાન્યૂઝ.રાજકોટ): જીવન ઉર્જાનો મહાસાગર છે અને જ્યારે કોઈની આંતરિક ચેતના જાગૃત થાય છે ત્યારે ઉર્જા જીવનને કલાનાં રૂપમાં ઉપસાવે છે. આવી કલા દ્વારા જ બુદ્ધિ-આત્‍માનું સત્‍ય સ્‍વરૂપ ઝળકી ઉઠે છે. અને કલા જ્યારે પણ જાગૃત થાય ત્યારે વ્યક્તિમાં "સત્‍યમ્ શિવમ્ સુન્‍દરમ્"ના દર્શન થાય છે. કલાને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. વ્યક્તિની અંદર છુપાયેલી કલા કોઈપણ ઉંમરે જાગૃત થઈ શકે છે. આ વાતને પુરવાર કરી બતાવી છે 4.5 વર્ષના અદ્ભૂત તબલચી ખુશ રાખસિયાએ. તે જ્યારે તબલા પર પોતાની આંગળીઓનો જાદુ ચલાવે છે. ત્યારે ભલભલા લોકો થનગની ઉઠે છે.

માત્ર દોઢ વર્ષની ઉંમરે ઘોડિયામાં સુતા-સુતા ગોઠણ પર તબલા વગાડતા ખુશની આ કલાને સૌ-પ્રથમ તેના દાદા જમાનભાઈએ ઓળખી હતી. બાદમાં માતા હર્ષિદાબેન અને પિતા નિરવભાઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી ખુશની આ કલા એવી નિખરી ઉઠી કે જોતજોતામાં તે તબલા વગાડવામાં પારંગત બની ગયો હતો. હાલમાં ખુશ કવ્વાલી, લાઈટ મ્યુઝીક, ભજન, લોકગીત, તેમજ સુગમ સંગીત બહુ સારી રીતે વગાડે છે. એટલું જ નહીં મોરારીબાપુ જેવા ઘણા નામી વ્યક્તિઓ સંગીત સાથે તાલ મિલાવી આ નાનકડા તબલચીએ સૌ-કોઈને આશ્ચર્યચકિત કરી મુક્યા છે.

નાનકડા ખુશના નિષ્ણાંત તબલચી બનવાની વાત જણાવતા તેના દાદા જમનભાઈ કહે છે કે, ખુશ જ્યારે ઘોડિયામાં હતો ત્યારે તે પોતાના ગોઠણ પર તબલા વગાડવાની એક્શન કરતો હતો. આ બાબત મેં મારા પુત્ર-પુત્રવધુને જણાવી ત્યારથી તેઓ પણ આ વાતનું ઝીણવટથી નિરીક્ષણ કરવા લાગ્યા હતા. થોડો મોટો થયા બાદ તે વાસણ ઉપર તબલાના સૂર રેલાવવા લાગ્યો હતો. આ જોઈને તેના પિતાએ ખાસ કોચીનથી એકદમ નાની સાઈઝના ખાસ તબલા મંગાવ્યા હતા. જેના પર તાલ મિલાવતા જોઈને અમે ખુશ માટે ગુરૂની શોધ શરૂ કરી હતી.

ખુશ માટે એક ગુરૂ તો અમને મળી ગયા, પરંતુ તેની નાની ઉંમરને જોઈને તેમણે આ બાળકલાકારને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી. જો કે ખુશે તેમની સમક્ષ તબલાના તાલે સંગીતના સુર રેલાવ્યા ત્યારે તેઓ ખુશને દરરોજ ઘરે આવીને તાલીમ આપવા માટે તૈયાર થઈ ગયા. તેને તાલીમ આપનાર આ સંગીત શિક્ષકનું માનવું છે કે, ખુશમાં રહેલી ખાસીયત ખરેખર ગોડ ગીફ્ટ જ છે. હાર્મોનિયમ પર કોઈ સંગીત વગાડવામાં આવે તો ખુશ તરત જ તેને તબલા પર વગાડી શકે છે. આ પ્રકારનું સંગીત શીખતા ભલભલા કલાકારોને વર્ષો વીતી જતા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
આ ટબુકડો કલાકાર ખુશ પ્રખ્યાત તબલાવાદક મહેંદી હસન, અને સંગીતકાર ઓસમાણ મીર, માયાભાઈ આહીર સહિતના દિગગજ કલાકારો સાથે પોતાનું પરફોર્મન્સ આપી ચુક્યો છે. એટલું જ નહીં સુપ્રસિધ્ધ રામકથાકાર મોરારીબાપુએ પણ તેની આ કલાને બિરદાવી ચુક્યા છે. પાપા પગલી ભરવાની ઉમરમાં ખુશ સંગીતની દુનિયામાં સુપ્રસિધ્ધ બની ગયો છે અને 'કલાકાર બનતા નથી પરંતુ જન્મે છે' આ કહેવતને પુરવાર કરી નાનકડો ખુશ પરિવાર સહિત રાજકોટનું નામ રોશન કરી રહ્યો છે.