મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલ દ્વારા પ્રતિવર્ષ પોતાના જન્મદિવસ અંતર્ગત રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવતું હોય છે. આ પરંપરા અનુસાર આજે તેમના 54માં જન્મદિવસ નિમિતે પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટ સહિત આસપાસના વિસ્તારના 2500 કરતા વધુ યુવાનોએ રક્તદાન કરી નરેશ પટેલને જન્મદિવસની અનોખી શુભકામનાઓ પાઠવી હતી.

ખોડલધામના નરેશ પટેલના માર્ગદર્શ હેઠળ ચાલતા સદ્દજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ, સમાજના અગ્રણીઓ અને સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ યુવાનો દ્રારા નાના મૌવા મેઇન રોડ પર આલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે મેગા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો તેમજ આગેવાનોએ હાજરી આપી રક્તદાન કર્યું હતું. રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. આ કેમ્પના માધ્યમથી એકઠું થયેલું રક્ત સરકારી હોસ્પીટલમાં ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવશે.