મેરાન્યૂઝ નેટવર્ક, જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 7 જુલાઇના રોજ રાજસ્થાનમાં યોજાનાર સભામાં વિરોધ પ્રદર્શનની ગર્જર સમાજ દ્વારા ચિમકી અપ્યા બાદ રાજસ્થાનની ભાજપની વસુંધરા રાજે સરકારે ગુર્જર સહિત પાંચ જ્ઞાતિના લોકોને અતિ પછાત વર્ગ (MBC)માં એક ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન સમિત હાર્દિક પટેલ અને તેમના સહયોગીઓ દ્વારા પાટીદારોને અનામત આપવાની લડત ચલાવવામાં આવી રહી છે. જો કે ગુજરાતમાં હજુ સુધી સીધી રીતે અનામત અપાઇ નથી. પરંતુ સરકારે બિન અનામત આયોગની રચના કરી છે. પરંતુ રાજસ્થાનમાં મોદીની રેલીમાં વિરોધ પ્રદર્શનની ચિમકી આપતા જ ગુર્જરોની વર્ષો જૂની માગણી સંતોષી લેવામાં આવી છે.

રાજસ્થાન સરકાર તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ભરતીઓમાં ગુર્જર સહિત બંજારા, બાદલિયા, લબાના, લોહાર, ગદાલિયા, રાઇકા/રબારી અને ગડરિયા જ્ઞાતિના અતિ પછાત વર્ગના લોકોને એક ટકો અનામત તાત્કાલિક અસરથી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના નેતાઓએ ગત રવિવારે કહ્યું હતું કે જો તેમની અનામતની માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી 7 જુલાઇના રોજ જયપુરમાં આયોજીત થનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધ પ્રદર્શન કરશે. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે બે દિવસ પહેલા કેબિનેટ સબ કમિટિના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને પોતાની માંગણો પૂર્ણ કરવા જણાવ્યુ હતું. ગુર્જરોએ ફરી આંદોલનની ચિમકી આપતા સોમવા સાંજે રાજસ્થાનની ભાજપની વસુંધરા રાજે સરકારે એક ટકો અનામત આપવાની જાહેર કરી દીધી હતી.