મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગત સાંજથી જ ગુજરાતનું વાતાવરણ વરસાદી બની ગયું છે. ગતરોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ હતો તો ક્યાંક કરા પડ્યાની પણ વિગતો સામે આવી હતી. આજે ફરી બપોર પછી વાતાવરણ પલટાયું હતું. બપોર સુધી ગરમીનો અહેસાસ કરાવ્યા બાદ આજે અમદાવાદના બોડકદેવ, ગુરુકુળ, એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. મહેસાણાના ઊંઝા ખાતે પણ માવઠું થયું હતું.

ગરમીના મોસમમાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતો માટે આ વાતાવરણ પડ્યા પર વધુ એક પાટું પડ્યા સમાન બની ગયું છે. ગુજરાતના કચ્છ, મહેસાણા, પાલીતાણા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારો, મહેસાણાના ઊંઝા, મસઢીયાણ, નોંઘણવદર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપ્ટાં પડ્યા છે. કચ્છના માંડવીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કોડાય, મેરાઉ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા હાલ ખેડૂતોને કમોસમી વરસાદને પગલે ફરી પાકને નુકસાન થવાની ભીતી સતાવી રહી છે. તો ઘણા ખેડૂતો માટે તો આ પડ્યા પર પાટું વાગ્યા સમાન બની ગયો છે. હાલ જાણે ગુજરાતમાં ત્રણ સીઝન સાથે જોવા મળે છે તેવો માહોલ છે. દિવસે ગરમી, રાત્રે ઠંડી અને હવે બાકી હતું ત્યાં વરસાદે પણ એન્ટ્રી કરી દીધી છે.