મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: દત્તાત્રેય ગોત્ર ધરાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુંભ મેળામાં આવીને પ્રયાગરાજમાં આવેલી તેમના દાદા ફિરોઝખાન ગાંધીની કબર પર જઈ પૂજન કરવું જોઈએ તેવું આજે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કુંભ મેળાની પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન કરી વિવાદનો મધપુડો છંછેડ્યો છે.

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આગામી ૧૫ જન્યુઆરીથી યોજાનારા કુંભ મેળા અંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં તેમણે કુંભ મેળામાં કુલ રૂપિયા ૪૩૦૦ કરોડના ખર્ચે થયેલા વિકાસ કામો અને વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેવેન્દ્ર શર્માએ કહ્યું કે, અનેક ટેન્ટ બનાવવા સાથે ૧.૨૨ લાખ શૌચાલયનું નિર્માણ કરી સ્વચ્છતા જાળવવામાં આવશે. જ્યારે કાયદો-વ્યવસ્થા સાથે ટ્રાવેલિંગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા દેશ-વિદેશના મહાનુભાવો પણ આ કુંભ મેળામાં આવશે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત પછી ૨૧થી ૨૩ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આ મહાનુભાવો વાઈબ્રન્ટ ગુજરાત પછી ત્યાં આવી કુંભ મેળાના દર્શનનો પણ લાભ લેશે. એક પ્રશ્નના જવાબમાં દિનેશ શર્માએ કહ્યું કે, દત્તાત્રેય ગોત્ર ધરાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુંભ મેળામાં આવવું જોઈએ. આ સાથે પ્રયાગરાજમાં આવેલી તેમના દાદા ફિરોઝખાન ગાંધીની કબર પર પણ પ્રથમવાર જવું જોઈએ. તે સિવાય પૂજન અધૂરું ગણાશે એમ શર્માએ માર્મિક કટાક્ષ કર્યો હતો. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મળી કુંભનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે સાંજે તેઓ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પણ આમંત્રણ આપવા જવાના છે.