મેરાન્યૂઝ નેટવર્ક, મંદસૌર: મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલા ગોળીબારની ઘટના પ્રથમ વાર્ષિકતિથિ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોની રેલીને સંબોધિત કરતા કહ્યું કે જે દિવસે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તેના દસ દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. આમ રાહુલ ગાધીએ લોકસભા 2019ની ચૂંટણીનો એક રીતે શંખનાદ પણ કરી દીધો છે.

રેલી પહેલા રાહુલ ગાંધીએ પોલીસ ગોળીબારમાં ગત વર્ષે માર્યા ગયેલા મધ્ય પ્રદેશના પાટીદાર સહિતના ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના પ્રગટ કરી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને મૃતકોના પરિવારજનો રાહુલ ગાંધીને ભેટીને રડી પડ્યા હતા.

રાહુલ ગાંધીએ મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોની રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર મોટા ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોનો એક પણ રૂપિયો માફ કરવામાં નથી આવતો. રાહુલ ગાંધીએ ખેડૂતોને વાયદો કર્યો કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને તેમના ખેત ઉત્પાનના પૈસા લેવા બેંકમાં નહીં જવું પડે પણ બજારમાંથી રોકડા આપવામાં આવશે. દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવામાં આવશે તથા તેમાં સ્થાનિક લોકોને રોજગારી અપાશે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાનો વાયદો કર્યો હતો જે આજ સુધી પૂર્ણ નથી થયો. મોદીએ બે કરોડ લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાતો કરી હતી જે દાવા પણ પોકળ સાબિત થયા છે.