મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લોકસભામાં ચોમાસુ સત્રના ત્રીજા દિવસે સદનમાં રાજકારણમાં અનોખા રંગ જોવા મળ્યા. જેમાં સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સદનમાં ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી તથા ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે હું હ્રદયથી કહુ છું કે હું વડાપ્રધાન, ભાજપ અને આરએસએસનો આભારી છું કે તેમણે મને કોંગેસનો મતલબ સમજાવ્યો. તેના માટે હું તેમને ધન્યવાદ આપુ છું. તેમણે મને હિન્દુ હોવાનો મતલબ શિખવ્યો. જ્યારે હુ હમણા અંદર આવ્યો ત્યારે તમારા જ સાથીઓ મને કહ્યું કે ઘણુ સારુ બોલ્યા.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે જ્યારે પણ કોઈને મારવામાં આવે છે, દબાવવામાં આવે છે ત્યારે તે હુમલો આંબેડકરજીના સંવિધાન અને આ સદન પર થતો હોય છે. દલિત, લઘુમતિ અને આદિવાસી માર્યા જાય છે અને વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ પણ નથી નિકળતો. મંત્રીઓ તો ત્યા જઇને દોષિતોને હાર પહેરાવે છે. ભારતની છબી એવી બની ગઇ છે કે તેના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓની સુરક્ષા નથી કરી શકતો. આક્ષેપ કરો તો સામેવાળાને પણ બોલવાનો મોકો આપવો જોઈએ.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે વડાપ્રધાન મોદી આ આક્ષેપો સાંભળ્યા બાદ મારી સાથે નજર નહીં મિલાવી રહ્યા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એવા છે નેતા છે જેઓ સત્તાથી બહાર રહેવુ સહન નથી કરી શકતા. એક વાર તેમની સત્તા ગઇ તો તેમના વિરૂદ્ધ બીજી ચીજો શરુ થઇ જશે.

રાહુલ ગાંધીએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું ભાજપ, આરએસએસ અને મોદીજીની અંદર મારા વિરૂદ્ધ ખૂબ ગુસ્સો છે. તેમની નજરમાં હુ પપ્પુ છું, તેઓ મારા વિરૂદ્ધ ખોટુ પણ બોલે છે પરંતુ મારી અંદર તેમના પ્રત્યે જરા પણ ગુસ્સો નથી. આટલુ કહીને રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયા અને તેમને ગળે મળ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ પણ સહજ અંદાજમાં રાહુલ ગાંધી સાથે હાથ મિલાવી શુભેચ્છાઓ પાઠવી હતી.