મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: છેલ્લા બે અઠવાડિયા સુધી લોકસભા ઠપ્પ રહ્યા બાદ બે દિવસથી ગૃહમાં થઇ રહેલી ચર્ચામાં આજે સંસદ સંકુલમાં ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે કોંગ્રેસી સાંસદોએ બટાકા વહેંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો રાફેલ કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ સોદામાં જવાબ આપવાના બદલે વડાપ્રધાન અને નાણા મંત્રી અમને ગાળો આપી ભાગી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો રાફેલ કેસની ક્રિમીનલ તપાસ કરવામાં આવશે.

દિલ્હીમાં લોકસભા ખાતે આજે રાફેલ વિમાન પરની ચર્ચામાં રક્ષા મંત્રી ભાગ લેવાના છે. તેની પૂર્વે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારોને કહ્યું કે, વડાપ્રધાન રાફેલ ચર્ચાથી દુર ભાગવા સાથે નાણા મંત્રી અમારા પ્રશ્નોના જવાબો આપવાના બદલે ગાળો આપી રહ્યા છે. તેમણે રાફેલ વિમાનની કિંમત કોણે નક્કી કરી તે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, ૩૦૦૦ કરોડનો કોન્ટ્રકટ અનીલ અંબાણીની કંપનીને જ આપવા સાથે ૧૨૬ વિમાનની માંગ સામે માત્ર ૩૬ વિમાન જ કેમ ખરીદવામાં આવ્યા..?

તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો રાફેલ કેસની ક્રિમીનલ તપાસ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષા મંત્રીની વાત પહેલા પોતે ચાર પ્રશ્નો ફરી વિનમ્રતાથી પૂછી રહ્યા છે. જેમાં સરકારે નાણા મંત્રી અરૂણ જેટલીની જેમ લાંબુ ભાષણ આપીને ભગવાનાં બદલે જવાબ આપવા જોઈએ. સંસદમાં મોદી સરકાર સામે પ્રહારો કર્યા બાદ રાહુલ ગાંધીએ આજે ટવીટ કરી લખ્યું છે કે, વડાપ્રધાને પોતાના મિત્ર અને આંતરરાષ્ટ્રીય દેવાદાર અનીલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપીને દેશની સુરક્ષા નબળી કરી છે. આથી નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે પણ તપાસ થવી જોઈએ.