મેરાન્યૂઝ.સિયોલઃ ભારતની લોકપ્રિય મહિલા બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝને જીતી લીધી છે. જે સાથે તેણે આ સીરીઝ જીતનારી પ્રથમ ભારતીય તરીકે ઈતિહાસ રચી દીધો છે. ઓલમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ રવિવારે ફાઈનલમાં વર્લ્ડ નંબર 9 જાપાનની નોઝોમી ઓકુહારાને 1.24 કલાક સુધીના મુકાબલામાં 22-20, 21-11, 21-18થી હારનો સ્વાદ ચખાડ્યો છે.

1991માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટના 26 વર્ષના ઈતિહાસમાં સિંધુ પહેલાં કોઈ ભારતીય શટલરે આ ટ્રોફી જીતી ન હતી. સિંધુએ 7મી સુપર સીરીઝ મુકાબલાના ફાઇનલમાં ઓકુહારાને જોરદાર ટક્કર આપી હતી અને પ્રથમ ગેમ 22-20 સાથે જીતી હતી. જયારે બીજી ગેમમાં ઓકુહારા હાવી રહી અને તેને સિંધુને 11-21થી હરાવી હતી, પરંતુ નિર્ણાયક ગેમમાં સિંધુનો સંકલ્પ કામ આવ્યો અને તેને જાપાની ખેલાડીને પરાસ્ત કરી ચેમ્પિયનશીપ પોતાને નામે કરી છે.

સિંધુએ 2017માં ત્રીજો ખિતાબ પોતાને નામે કર્યો છે. તેમને આ વર્ષે સૈદય મોદી ઇન્ટરનેશનલ અને ઈન્ડિયા ઓપન સુપર સીરીઝનું ટાઈટલ હાંસલ કર્યુ હતું. આ જાપાની શટલરે ઓગસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપના ફાઈલનમાં સિંધુને હરાવી હતી.