મેરાન્યૂઝ નેટવર્ક, ચંદીગઢ: અમૃતસરના એક ધાર્મિક ડેરામાં થયેલા ગ્રેનેડ હુમલાને લઇને પંજાબ પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી હુમલો હોઇ શકે છે. પંજાબ પોલીસના ડીજીપી સુરેશ અરોડાએ કહ્યું કે આ ઘટનામાં આતંકવાદી એંગલ માલૂમ પડે છે. જેનું કારણ એ છે કે હુમલો કોઈ વ્યક્તિ પર નહીં પણ એક જૂથ પર થયો છે. લોકોના એક જૂથ પર ગ્રેનેડથીએ હુમલો કરવાનું અન્ય કોઈ કારણ જણાતુ નથી. જો કે તપાસ બાદ જ તેની પાછળનું કારણ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત તથા દસ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો પંજાબના અમૃતસરના રાજાસાંસી વિસ્તારના આદલીવાલ ગામમાં થયો. આ વિસ્તાર આંતરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પરિસરમાં નિરંકારી સમાજના લોકોનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હુમલામાં પીડિત આજુબાજુના રહેવાસીઓ હતા. નજરેજોનારાઓએ પોલીસને જણાવ્યુ કે મોઢે બુકાની બાંધી બે યુવક મોટરસાઇકલ પર આવ્યા હતા અને ગેર પર હાજર એક મહિલાને પિસ્તોલના નાળચે બંધક બનાવી નિરંકારી ભવનના પરિસરમાં ઘુસ્યા હતા. આ સમગ્ર ઘટના ગણતરીની મિનિટોમાં ઘટી. હુમલાખોરો ઘુસ્યા, ગ્રેનેડ ફેંક્યો અને ફરાર થઇ ગયા.