મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુનેગાર જ્યારે કોઈને પરેશાન કરે ત્યારે સામાન્ય માણસને ધરપત હોય છે કે તેને પોલીસની મદદ મળશે, પરંતુ જ્યારે પોલીસ રસ્તા ઉપર આવી લૂંટ કરે ત્યારે પ્રજાએ કોની પાસે મદદ  માંગવી તેવો પ્રશ્ન ઊભો થાય છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ખુદ એક પોલીસ સબઈન્સપેકટર અને તેમના કોન્સટેબલ્સએ ચાલીસ કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. આ મામલે ગોમતીપુર પોલીસે બુધવારની સાંજે ગુનો નોંધી ગણતરીના કલાકમાં લૂંટનો ભેદ ઉકેલી નાખી સબઈન્સપેકટર અને બે કોન્સટેબલોને ઝડપી લીધા છે.

થયું એવું કે, અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંતોષ કુલાલની ચાંદી ગાળવાની ભઠ્ઠી આવેલી છે. તેઓ ચાંદીના વેપારીઓ પાસેથી કાચી ચાંદી લઈ આવી ભઠ્ઠીમાં ઓગાળી સોનીની માગણી પ્રમાણે તેના ચોસલા પાડી તે માલ સોનીને પરત આપી આવે છે. આ કામ માટે સંતોષ કુલાલને કિલોગ્રામે ચાલીસ રૂપિયા મળે છે. સંતોષ પાસે માણેચોકના વેપારી દ્વારા ચાલીસ કિલો ચાંદી મોકલી હતી., બુધવારે સંતોષે તે ચાંદી ઓગળી તેના ચોસલા પાડી, વેપારીને આપવા માટે તેઓ ચાંદીના ચોસલા પોતાના સ્કૂટરની ડેકીમાં મુકી માણેકચોક જવા નિકળ્યા હતા.

જયારે સંતોષ ગોમતીપુ વિસ્તાર પહોંત્યા ત્યારે એક મોટરસાયકલ ઉપર આવેલા બે વ્યકિતએ એ સ્કૂટર બાજુ ઉપર ઊભુ રાખ તેમ કહી સ્કૂટર ઊભુ રાખવાની ફરજ પાડી હતી. આ બાઈક સવારમાંથી એકે પોતાનો પરચિય ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપ્યો હતો. તેના કમર ઉપર પીસ્તોલ પણ લટકી રહી હતી. આ બંન્ને વ્યકિતએ સંતોષને ધમકાવવાની શરૂઆત કરી હતી અને પોતાની સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેવો આદેશ આપતા સંતોષ ડરી ગયો હતો. બાઈક ઉપર આવેલા બે પૈકીએ એકે સંતોષનું સ્કૂટર ચલાવવાની શરૂઆત કરી અને સંતોષને પાછળ બેસાડી દીધો હતો.

બીજો માણસ બાઈક લઈ સાથે આવી રહ્યો હતો. આ વ્યકિતઓ સંતોષને લઈ પીપળજ થઈ સરખેજ એક અવાવરૂ જગ્યાએ પહોંચી હતી. જયાં તેમણે સંતોષને ડેકી ખોલવાની ફરજ પાડી હતી અને ચાલીસ કિલો પૈકી વીસ કિલો ચાંદી આપી દેવાનું કહ્યું હતું. જો કે સંતોષે ગ્રાહકની ચાંદી આપવાનો ઈન્કાર કરતા તેઓ તેને મારવા લાગ્યા હતા. જેના કારણે સંતોષે મદદ માટે બુમો પાડવાની શરૂઆત કરતા એક વ્યકિતએ પોતાની કમર ઉપર લટકી રહેલી પીસ્તોલ કાઢી તે બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન બીજી વ્યકિત સંતોષનું સ્કૂટર લઈ ફરાર થઈ ગયો. સંતોષ તેમની પાછળ દોડયો પણ તે તેમને પકડી શકયો ન્હોતો.

આ ઘટના બાદ સાંજે ગોમતીપુર પહોંચેલા સંતોષ કુલાલે લૂંટની ફરિયાદ આપી હતી, પરંતુ સંતોષની ફરિયાદમાં એક મહત્વની બાબત પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવી હતી જેમાં સંતોષને પીસ્તોલ બતાડી ત્યારે સંતોષનું ધ્યાન પીસ્તોલ ઉપર સફેદ અક્ષરમાં લખેલા નંબર X111-57 ઉપર પડ્યું હતું. સંતોષે આ વાત પોલીસ અધિકારીઓને જણાવી હતી, આ નંબર જોતા પોલીસ અધિકારીઓ ચૌંકી ઉઠયા હતા. કારણ આ નંબર સરકારી હથિયારનો હતો. ગોમતીપુર પોલીસ દ્વારા તુંરત આ નંબરનું હથિયાર ક્યા પોલીસ અધિકારી પાસે છે તેની તપાસ કરતા રાજકોટ એસઆરપીમાં હથિયાર ફાળવવામાં આવ્યું હોવાની જાણકારી મળી હતી.

આ માહિતીને આધારે ગોમતીપુર પોલીસ રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવતા સબઈન્સપેકટર અને બે કોન્સટેબલોને લઈ આવી છે જેઓ લૂંટમાં સામેલ હતા. હાલમાં તેમની પુછપરછ ચાલુ હોવાને કારણે તેમની સત્તાવાર ધરપકડ બતાવી નથી, પણ સાંજ સુધી તેમની ધરપકડ થઈ જશે તેમ ગોમતીપુર પોલીસે કહ્યું છે.