મેરાન્યૂઝ નેટવર્ક.તુર્કી: વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની કોઈ ધંધાદારી હત્યારાએ હત્યા કરી નાખી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પછી સાઉદી આરબ સામે વિશ્વના ઘણા દેશોએ તેમનો અવાજ બુલંદ કરવા સાથે ચાર દેશોએ રિયાદમાં થનારા નિકાસ સંમેલનનો બહિષ્કાર કર્યો છે.

તમામ શંકાઓને ફગાવી દઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ માની લીધું છે કે, વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની કોઈ ધંધાદારી હત્યારાએ જ હત્યા કરી છે. બે અઠવાડિયા પહેલા વાયરલ થયેલા એક ઓડિયો ક્લીપમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તુર્કી સ્થિત સાઉદી આરબના દૂતાવાસ પહોચેલા ખગોશીની તડપાવી તડપાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ તેની સામે શંકા વ્યકત કરી હતી. તે વખતે તેમણે તુર્કી અને અમેરિકી એજન્સીઓને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સાથે ટ્રમ્પ એ ધમકી પણ આપી હતી કે, જો ખગોશીની હત્યાનો મામલો સાચો નીકળ્યો તો સાઉદી આરબે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

૧૯૮૦ના દશકામાં ઓસામા બિન લાદેનના ઈન્ટરવ્યુંથી ચર્ચામાં આવેલા જમાલ ખગોશી તુર્કીમાં રહેતી પોતાની મંગેતર હેટીસ સેગિજ સાથે લગ્ન કરવા માંગતા હતા. ખગોશી તેની અનુમતિ લેવા માટે ગઈ ૨ ઓક્ટોબરના રોજ તુર્કીના ઇન્સતાંબુલ સ્થિત સાઉદી આરબના દુતાવાસ ગયા હતા. તેમને આ દુતાવાસના અંદર જતા જોવામાં આવ્યા હતા પરંતુ ત્યાંથી બહાર નીકળતા કોઈએ જોયા નથી.

 બે અઠવાડિયા પહેલા એક વાયરલ થયેલા ઓડિયોમાં ખગોશીની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમાં એવોપણ દાવો કરાયો હતો કે, ખગોશીએ એપલની ઘડિયાળ પહેરી રાખી હતી. તેમાં સમગ્ર ઘટના ટેપ થઇ ગઈ હતી. પહેલા આંગળીઓ કાપવા સાથે લગાતાર કેટલાક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. આ પછી નિર્મમ રીતે તેમની હત્યા કરવામાં આવી હતી. પરંતુ તેમાં એ જણાવવામાં આવ્યું નહોતું કે, આ ક્યાંનો બનાવ છે.

જમાલ ખગોશી સાઉદી આરબના રાજવી પરિવારના ઘણા નજીક માનવામાં આવી રહ્યા હતા. પરંતુ કેટલાક દિવસોથી તે પ્રિન્સ સલમાન વિરુદ્ધ લખી રહ્યા હતા. આથી માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે તેમની હત્યા કરવામાં આવી છે. જો કે, સાઉદી આરબે આ મામલામાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે.

જ્યારે ટ્રમ્પના તપાસના આદેશ પછી તુર્કી અને અમેરિકી અધિકારીઓએ તે દુતાવાસમાં ૯ કલાક સુધી શોધખોળ કરી હતી. જેમાં શંકા છે કે, ખગોશીની હત્યા કરી લાશ પાસે આવેલા જંગલમાં ફેકી દેવામાં આવી હતી. આ દુતાવાસમાંથી કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે કે, જે ખગોશીના ડીએનએ સાથે સરખાવી શકાય તેમ છે.અમેરિકી અધિકારીઓ એ કોઈ આધાર-પુરાવા વગર ખગોશીની હત્યાની જાહેરાત કરવા સામે નારાજગી વ્યકત કરતા કહ્યું છે કે, તુર્કીના અધિકારીઓ એવો દાવો કરી ચુક્યા છે કે સાઉદી આરબ પાસે ખગોશીની હત્યાના ઓડિયો અને વિડીયો છે.પરંતુ  તેને સાર્વજનિક જાહેર કરવામાં આવતા નથી.