મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: વાંકાનેરના પ્રસિધ્ધ અને ઐતિહાસિક ધરોહર સમા રણજીત વિલાસ પેલેસમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. રાજવી પરિવારના આ પેલેસમાં ચોરીની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વાંકાનેર સીટી પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજવી પેલેસમાં ચોરી થયાની વાત વાયુવેગે પ્રસરી જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

વાંકાનેર સ્ટેટના યુવરાજ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ ગત તા. 16-19 દરમિયાન રણજીત વિલાસ પેલેસની ગેલેરીની બારીનો કાચ તોડી તસ્કરોએ પ્રવેશ્યા હતા અને પેલેસમાં રહેલી રાજવી પરિવારની ચાંદીની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી હતી. જેમાં પિયાનોરૂમમાં રાખેલી રાજાશાહી સમયની ખુરશી નંગ-2 વજન આશરે 60 કિલો, તથા માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક, અને દરબાર હોલમાં રાખેલી મુંબઇ ખાતેના વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ વજન આશરે 25 કિલો, તેમજ ચાંદીનું નાનું ઘર, તોપ, નારીનું સ્ટેચ્યું કુલ વજન 4 કિલો, ઉપરાંત ચાંદીના પલંગના 4 પોલ, ચાંદીની ફ્રેમ વજન 10-15 કિલો સહિત રાજાનું સ્ટેચ્યું, પિતળનો ઘોડો, જેવી રાજાશાહી સમયની અનમોલ ચીજો ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.

રાજાશાહી વખતની ચાંદીની કિંમતી વસ્તુઓ કે જેને એન્ટીક કહી શકાય તેવી અંદાજીત રૂપિયા 7-8 લાખની કિંમતની ચીજો ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા. રાજવી પેલેસમાં ચોરી થયાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ છે.  વાંકાનેર સીટી પીઆઈ ટીમ ઉપરાંત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે. ત્યારે મોડલ સ્ટેટ ગુજરાતમાં રાજવી પરિવારનો પેલેસ સુરક્ષિત રહ્યો નથી. તો સામાન્ય લોકો કેટલા સુરક્ષિત ? જેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.