મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર: ડો.પ્રવીણ તોગડિયા પોતાના જન્મ દિવસ નિમિતે દહેગામ તાલુકાના ખેડૂતોની સમસ્યા સંભાળવા મુલાકાત લીધી. આજે ડો. પ્રવીણ તોગડીયા ખેડૂતોને પણ હિંદુ તરીકે જોતા અને ચર્ચા કરતાં નજરે પડ્યા. તોગડિયાએ ખેડૂતો મુદ્દે સરકાર સામે આંદોલનની ચીમકી આપી છે અને સરકારને તૈયાર રહેવા જણાવ્યું છે.

ડો. તોગડિયાએ આજે દહેગામના ખેડૂતો આગેવાનો સાથે ખેતીના મુદ્દે ચર્ચા કરી અને એવું કહ્યું કે, "મને એટલુ કહો કે આ એટલા બધા ખેડૂતો છે એમાં હિંદુ સિવાય કોઈ છે? દેશમાં ૭૦ કરોડ ખેડૂતો છે એ બધા કોણ છે? હિંદુ. હું ખેડૂત જ છું આ મેં જે સંગઠન એવું હતું જેમાં એક બાજુ ખેડૂત અને બીજી બાજુ રામ હતા, આ બંને સંકલ્પ પુરા કરવા હું લડીશ.

તોગડિયાએ કહ્યું કાયમ માટે ખેડૂત દેવા મુક્ત થાય એવું અભિયાન, દેશવ્યાપી આંદોલન, પણ એક રાજ્યના ખેડૂતોથી આ થવાનું નથી બધે જ ખેડૂતોએ એક સાથે કરવું પડે તો જ ખેડૂત દેવા મુક્ત થાય અને તેમનું કલ્યાણ થાય. ગાંધીનગરમાં નીતિ કરનારને ખેડૂતની કાંઈ પડી નથી. આ પાણીવાળી સરકારે ખેડૂતોનું પાણી બંધ કરી દીધું છે એ પાણી શરુ કરે નહીંતર ખેડૂતો પાણી બતાવશે અને પ્રવીણ તોગડિયા નેતાગીરી લેશે. દૂધ મંડળીને ગાંધીનગર જીલ્લામાં ટ્રાન્સફર કરો. લાઠી ખાવા માટે હું આગળ જ રહીશ.

દહેગામ તાલુકાના મુખ્ય બે સળગતા મુદ્દા વિશે ચર્ચા સાથે ડો તોગડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે દહેગામ તાલુકાના ખેડૂતોના દૂધ અને પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આવતી ૧૫મી તારીખે દહેગામથી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સુધી કૂચ કરવામાં આવશે.