પ્રવિણભાઈ કુશળ હશો

તમે અને નરેન્દ્ર મોદી 1970ના દસકથી સાથે કામ કરતા હતા. ગુજરાતમાં ભાજપની સરકાર બને અને દેશમાં હિન્દુત્વનો માહોલ ઉભો થાય તે માટે તમે અને નરેન્દ્રભાઈએ કામ કર્યુ. નરેન્દ્ર મોદીએ ભાજપને મોટો કર્યો અને તમે રામમંદિરના નામે વિશ્વ હિન્દુ પરિષદનું કદ વિશાળ કર્યુ. પરંતુ જેમ જેમ તમે સત્તાની નજીક જતા ગયા તેમ-તેમ નરેન્દ્ર મોદી અને તમે એકબીજાથી દુર થવા લાગ્યા હતા. મને બરાબર સમજાય છે કે તમારા  અને નરેન્દ્ર મોદીના એજન્ડામાં ક્યાંય રામ મંદિર અને હિન્દુત્વ જ ન્હોતુ. તમે બંને રામ મંદિર અને હિન્દુત્વના નામે ગુજરાત અને દિલ્હીની ગાદી સર કરવા માગતા હતા. નરેન્દ્ર મોદી તમારા કરતા એક પગથીયુ આગળ ચાલ્યા અને ગુજરાતની ગાદી સર કરી લીધી.

બહારથી તો તમે નરેન્દ્ર મોદીની સાથે હતા પણ તમારા નજીકના લોકો જાણતા હતા કે નરેન્દ્ર મોદીએ તમારી હાલત કોડીની કરી નાખી છે. રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી રહેલા નરેન્દ્ર મોદીને ખબર હતી કે આજે નહીં તો આવતીકાલે શતરંજની રમતની જેમ તમે તેમની સામે આવી ઉભા રહેશો, કારણ તમારૂ પણ લક્ષ્ય સત્તા પ્રાપ્તી હતી. ખેર તે જુદી વાત છે કે સત્તા સુધી જવા માટે મોદી અને તમે રામના નામનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ તમને બહુ સિફતપુર્વક ખતમ કરી નાખ્યા, માત્ર તમને જ નહીં હિન્દુત્વનો ઝંડો લઈ ફરતા તમામને હાંસીયામાં ધકેલી દીધા. તમે ભગવાન રામની વાત કરતા હતા પણ તમને ખબર છે કે રામનું મંદિર તો દરેક હિન્દુના ઘરમાં અને રામ તો દરેક હિન્દુના હ્રદયમાં બિરાજે છે.

અયોધ્યામાં રામ મંદિર બને તે કરતા વધારે જરૂરી  હતું કે દરેક ખેડૂતના  ખેતરમાં પાણી મળે,  દરેક શિક્ષિતને તેની લાયકાત પ્રમાણે નોકરી મળે, દરેક મહેનત કરનારને કામ અને કામના બદલામાં વળતર મળે, દરેક બિમારને ઉત્તમ સારવાર મળે, દેશમાં વસનાર કોઈ પણ ધર્મનો નાગરિક શંકા અને ડર વગર ફરી શકે. હિન્દુઓ અજમેરમાં અને મુસ્લિમો સોમનાથમાં વિશ્વાસ સાથે આવી શકે તેની જરૂર હતી પણ તમે દેશનું મન કુલુષિત કરી નાખ્યું અને તે કડવાશે તમને પણ પુરા કરી નાખ્યા. તમે છેલ્લા કેટલાય વર્ષોથી રામ મંદિરના નારા લગાવતા રહ્યા પણ દેશ સમજી ગયો હતો જેના કારણે તમારી સભામાં પાંચસો લોકો પણ આવતા ન્હોતા. તમને લોકોની ભીડ વચ્ચે રહેવાની બીમારી લાગી ગઈ છે. ભીડનો ઉદ્દેશ્ય સારો હોય તો પરિણામ આવે પણ તમારો ઉદ્દેશ સારો ન્હોતો, તેમાં સ્વાર્થનું મિશ્રણ હતું.

પણ ગયા સપ્તાહે તમે ગાંધીનગરના દહેગામના ખેડૂતો અને પશુપાલકો માટે એક સભા કરી અને રેલી કાઢી અને હજારો લોકો રેલીમાં જોડાય કારણ તમે ગરીબોના ચુલાની ચિંતા કરી, તેનો અર્થ ભગવાન રામના મંદિર કરતા ગરીબનો ચુલો વધારે મહત્વનો હતો. દહેગામની ભીડે તમને આશ્ચર્યમાં મુકી દીધા. છેલ્લાં કેટલાય વર્ષો બાદ તમે આટલી મોટી ભીડની આગેવાની કરી હતી. વાત બહુ સરળ છે, જો તમને સમજાય તો રામ પ્રત્યેની શ્રધ્ધા તે બહુ જ વ્યક્તિગત પ્રશ્ન છે. હું મારા ઘરની અંદર રામની પુજા કરૂ અને કોઈ મુસ્લિમ ઈબાદત કરે તે બંને વાતો શ્વાસ લેવા જેટલી સહજ હોવી જોઈએ. કોઈએ રામ અને અલ્લાહને રસ્તા ઉપર લાવી તેમનું પ્રદર્શન કરવાની જરૂર નથી. તમે પોતે પણ અમરેલીના એક નાનકડા ગામમાંથી અમદાવાદ આવી  બી.જે. મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી ડૉક્ટર થયા છો.

ડૉક્ટર  તરીકે ઈશ્વરે તમને એક ઉમદા કામ કરવાની તક આપી હતી પણ તમે તો મારવા અને મરવાની વાત કરવા લાગ્યા. થોડા સમય માટે તમને અને તમારી પાછળની ભીડને મઝા પડી પણ પછી ભીડને સમજાયુ કે તેઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે. તમારા નારા સાંભળી 2002માં જે હિન્દુઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને પછી આજે પણ જેઓ જેલમાં છે તેમના પરિવારને જઈ પુછો કે તેમની હાલત શુ છે?  કોઈનો રોટલો છીનલી લેવો સહેલો છે પણ રોટલો આપવો અઘરો છે. હવે તમારી હિન્દુત્વની દુકાન ચાલતી નથી માટે તમે ખેડૂતોની વાત કરો છો તે સારી વાત છે. ખરેખર તમને સત્યનું જ્ઞાન બહુ મોડુ થયુ, કંઈ વાંધો નહીં. મોડા મોડા પણ તમને રામ કરતા ગરીબની પીડા સમજાઈ તે સારી વાત છે. જીંદગીના 6 દસક થવા આવ્યા ત્યારે તમે સાચા રસ્તે આવ્યા છો.

દેશમા આવી અનેક સમસ્યાઓ છે જે રામ મંદિર કરતા મોટી છે. જો તમે આવી ભીડની આગેવાની લેશો તો કદાચ તમારા નામના મંદિર પણ આ દેશના પ્રજા બનાવશે. ગરીબીને કોઇ ધર્મ હોતો નથી. ગરીબ ગરીબ જ હોય છે. ગરીબ હિન્દુ હોય કે ગરીબ મુસ્લિમ હોય તેની પીડા સરખી જ હોય છે. એટલે મહેરબાની કરી ગરીબનો ધર્મને બદનામ કરશો કરશો નહીં. તમારો અને નરેન્દ્ર મોદીનો સ્વભાવ સરખો છે તમને કાયમ સારૂ જ સાંભળવાની ટેવ છે, કડવુ પચાવી શકતા નથી છતાં તમને કહેવુ જરૂરી લાગ્યુ કારણ તમારા મિત્ર તરીકે તમને આ કહેવુ જોઈએ તેવુ મને સતત લાગી રહ્યુ હતું.

જયારે દરેક હાથને કામ અને દરેક પેટને અન્ન મળશે ત્યારે અયોધ્યાયમાં રામ સ્વંભુ પ્રગટ થશે

આપનો

પ્રશાંત દયાળ