પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): રામ મંદિરનો મુદ્દો પ્રવિણ તોગડીયાને યાદ આવ્યો સારી વાત છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા તેને ચાર વર્ષ થઈ ગયા. ચાર વર્ષ બાદ જ્યારે નરેન્દ્ર મોદી પોતાની સરકાર બનાવવા માટે ફરી ચૂંટણી લડવાના છે તે વખતે જ તોગડિયાને યાદ આવ્યુ કે નરેન્દ્ર મોદી રામ મંદિર માટે કંઈ કરતા નથી. ઉતર્યો અમલદાર કોડીનો તેવી સ્થિતિ પ્રવિણ તોગડિયાની થઈ છે. જ્યારે પ્રવિણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદના સર્વેસર્વા હતા ત્યારે હિમંત કરી રાષ્ટ્રીય  સ્વંય સેવક સંઘ અને નરેન્દ્ર મોદીને કહ્યુ હોત કે તમે હિન્દુઓના નામે મત માંગ્યો અને હવે હિન્દુઓને મુર્ખ બનાવી રહ્યા છો એટલે હું તમારાથી છેડો ફાડી મારી હિન્દુત્વની લડાઈ લડીશ તો હિન્દુઓને તોગડિયા ઉપર માન થાત. પરંતુ તેવુ તેઓ કરી શક્યા નહીં, દેશી ભાષામાં કહીએ તો નરેન્દ્ર મોદીએ લાત મારી તગેડી મુક્યા પછી તેમને હિન્દુત્વનું જ્ઞાન લાધ્યુ છે.

સવાલ માત્ર નરેન્દ્ર મોદીના હિન્દુત્વનો નથી, કારણ મોદી નખશીખ રાજકારણી માણસ છે. આમ તો તેમને કોઈ ધર્મ અને જાતિ સાથે પ્રેમ અને દુશ્મની નથી, તેમને મન સત્તામાં રહેવુ તે જ તેમનો ધર્મ છે પણ હિન્દુત્વના ઠેકેદાર તો ડૉ. પ્રવિણ તોગડિયા છે. ઉપવાસ ઉપર બેઠેલા તોગડિયાએ 2002ના તોફાનો યાદ કર્યા, કેટલા હિન્દુઓ મર્યા અને કેટલા હિન્દુઓ જેલમાં ગયા તેના આંકડા બોલ્યા પણ તોગડિયા ભુલી ગયા કે જે હિન્દુ મર્યા અને જે હિન્દુઓ જેલમાં ગયા તેમના પરિવારને મળવા માટે સમખાવા પુરતા  પણ તોગડિયા કોઈ એક હિન્દુના ઘરે ગયા હોય, તોગડીયાનો મોટા નેતા છે પણ પરિષદના નાના નેતાઓ પાસે પણ હિન્દુના ઘરે જવાનો સમય ન્હોતો.

2002ના ગોધરા સ્ટેશન ઉપર જેમની ઉપર ટ્રેન સળગાવવાનો આરોપ હતો તેવા તમામ મુસ્લિમ આરોપીઓેને અમદાવાદ સાબરમતી જેલમાં રાખ્યા હતા. અમદાવાદ અને ગોધરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર કરતા વધારે છે. પણ તમને જાણી આશ્ચર્ય થશે કે સતત દસ વર્ષ સુધી જ્યા સુધી કોર્ટનો ચુકાદો આવ્યા નહીં ત્યાં સુધી કુલ 3650 દિવસ સળંગ ગોધરાથી અમદવાદ સાબરમતી જેલ ઉપર જમાત દ્વારા ટિફિન મોકલવામાં આવતા હતા. આવુ વિશ્વ હિન્દુ પરિષદે ગોધરાકાંડ ફાટી નિકળેલા તોફાનોમાં જેલમાં ગયેલા હિન્દુઓ માટે એક મહિનો પણ કર્યુ હોય તો પણ ઘણુ છે. આમ પરિષદનું  હિન્દુત્વ પોલા ઢોલ જેવુ છે. છતાં પ્રવિણ તોગડિયાને જ્યારે પણ તકલિફ પડે ત્યારે તોગડિયા હિન્દુત્વનું ઢોલ વગાડી દે છે. ચાલો માની લઈએ કે નરેન્દ્ર મોદીએ હિન્દુઓને મુર્ખ બનાવ્યા અને સત્તા મળી ગઈ એટલે રામ મંદિર સહિત બધા મુદ્દા તેમણે અભરાઈ ઉપર ચઢાવી દીધા. પરંતુ પ્રવિણ તોગડિયાએ નરેન્દ્ર મોદી સાથે લડાઈ માટે પસંદ કરેલો સમય અને લડાઈ પરિણામ આપશે કે તે પણ એક મોટો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા વચ્ચે જાહેરમાં દેખાય છે તેવી ખાનગીમાં પણ દુશ્મની છે તેવુ માની પણ લઈ તો નરેન્દ્ર મોદીને હિન્દુત્વના મુદ્દે હરાવી શકાય તેમ નથી. કારણ દેશના કરોડો લોકો હ્રદયના ઉંડાણ સુધી માનવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદી કડક હિન્દુ નેતા છે અને મુસ્લિમો તેમના કારણે જ સખણા રહે છે. એક સામાન્ય હિન્દુને મન રામ મંદિર બને તેના કરતા પણ વધારે જરૂર મોદીને કારણે કૃત્રિમ તો કૃત્રિમ મળતી સુરક્ષાનો અહેસાસ વધુ જરૂરી છે. જેના કારણે મોદી હિન્દુ વિરોધી છે તેવુ સામાન્ય હિન્દુ માનતો નથી.

નરેન્દ્ર મોદી અને ભાજપનું કહેવુ છે કે રામ મંદિરનો મુદ્દો કોર્ટ આધીન છે. કોર્ટ કહેશે  તે કરીશ. પ્રવિણ તોગડિયા કહે છે હવે તમારી પાસે સત્તા છે, તમે સંસદમાં કાયદો બનાવી મંદિર બનાવો, અયોધ્યામાં રામ મંદિર બને તેવુ દરેક હિન્દુ માનતો હોવા છતાં હિન્દુનો દુરાગ્રહ નથી. જ્યા સુધી અયોધ્યામાં બાબરી મસ્જિદ બનતી નથી ત્યાં સુધી હિન્દુને રામ મંદિર ના થાય તો પણ ચાલશે કારણ હિન્દુ ક્યારેય પ્રોએક્ટિવ નથી. હવે પ્રવિણ તોગડિયા કહે છે મોદી કોર્ટને વાત કરે તે વાજબી નથી. આ સ્થિતિમાં તોગડિયાએ શરૂ કરેલી રામ મંદિરની લડાઈ નરેન્દ્ર મોદીને ફાયદો કરાવી જશે, કારણ નરેન્દ્ર મોદી મુસ્લિમોને કહેશે કે હું કોર્ટને માન આપવાની વાત કરૂ છુ અને તોગડિયા કોર્ટને માન આપતા નથી જેના કારણે જે મુસ્લિમો હજી ભાજપ તરફ ફર્યા નથી તે પણ તોગડિયાને કારણે ભાજપ તરફ વળી જશે.

હવે મુખ્ય વાત નરેન્દ્ર મોદી અને ભાજપે હિન્દુત્વના પીપુડા વગાડ્યા અને સત્તા મળી તે નગ્ન સત્ય છે. હવે સત્તા મળ્યા પછી તેઓ હિન્દુત્વના મુદ્દે કાંઈ કરતા નથી તેના કરતા પણ ભયંકર પ્રશ્ન એવો છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી છેલ્લા ચાર વર્ષથી દેશનો આર્થિક ગ્રાફ નીચે જઈ રહ્યો છે. કોંગ્રેસને કૌભાંડી કહેનાર ભાજપના રાજમાં નીરવ મોદી જેવા કરોડો રૂપિયા હોઈયા કરી ગયા, પહેલા નોટબંધી અને પછી જીએસટીએ વેપારની કમર તોડી નાખી છે. આજે દેશના હજારો એટીએમમાંથી લોકોને પોતાના જ પૈસા મળતા નથી. છતાં પૈસે લોકો ભીખારી થઈ ગયા છે. સામાન્ય શિક્ષિતને નોકરી મળતી નથી અને જેમની પાસે વેપાર છે તે કાયદાની ભરેડમાં આવી વેપાર કરી શકતા નથી. નરેન્દ્ર મોદીની આર્થિક નિષ્ફળતા જ મોદી અને ભાજપના દુશ્મન છે. આ વખતે નરેન્દ્ર મોદીને ઘેરી શકાય તો આર્થિક મુદ્દાઓ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકીઓ ઉપર થઈ રહેલા બળાત્કારનો મુદ્દો છે.

હિન્દુત્વનો મુદ્દો ઉપસ્થિત કરી ડૉ. પ્રવિણ તોગડિયા દેશના મહત્વપુર્ણ મુદ્દા તરફથી લોકોનું ધ્યાન હટાવી નરેન્દ્ર મોદીનો વિરોધ નહીં તેમને મદદ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીને ઢાળ જોઈ દોડતા આવડે છે. દેશ આર્થિક રીતે પાયમાલી તરફ જઈ રહ્યો છે ત્યારે મોદી જો રામ મંદિરના ઘંટ વગાડવા લાગશે તો કરોડોના લોકોના ચુલાની કોઈ ચિંતા કરશે નહીં.