મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ

પ્રિય જીજ્ઞેશ

આમ તો તને લાંબા સમયથી પત્ર લખવાની ઈચ્છા થતી હતી, પણ સોમવારના રોજ એક રેલી પછી તે અમદાવાદમાં કરેલા ભાષણનો વીડિયો મારી પાસે આવ્યો પછી પત્ર લખવાની ઈચ્છાને રોકી શકયો નહીં. આમ તો આ બહુ જ વ્યકિતગત વાત છે, તને રૂબરૂમાં પણ કરી શક્યો હોત, પણ હવે તું લોકનેતા અને ધારાસભ્ય પણ છે જેના કારણે તારૂ જીવન સાર્વજનીક છે, તેના કારણે તને આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું.

તારી અને મારી મિત્રતમાં તારૂ રાજકારણ અને મારૂ પત્રકારત્વ આવતું નથી, તું રાજકારણમાં ન્હોતો અને જઈશ તેવી કલ્પના તને અને મને ન્હોતી ત્યારેથી આપણે પરિચિત નહીં મિત્ર છીએ, મને તું ત્યારે પણ ગમતો અને આજે પણ ગમે છે, કદાચ તેનું કારણ તારી અંદર રહેલી લડાયકતા છે. મને બીજા માટે લડનાર માણસો કાયમ ગમતા આવ્યા છે. અમદાવાદના આશ્રમરોડ ઉપર ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની નજીકની કિટલી જ આપણું મુલાકાતનું સ્થળ રહી છે કારણ હું પણ તારા જેવો ફક્કડ ગીરધારી છું.

તુ ધારાસભ્ય થયો તે પહેલા જ્યારે પણ મને મળ્યો અને મેં તને લોકોની પીડાની વાત કરતા સાંભળ્યો ત્યારે મને સારૂ તે બાબતનું લાગતુ હતું કે કોઈક માણસ ગરીબોની વાત કરે છે. હું નાત-જાતમાં માનતો નથી, તેની તને ખબર છે મારે મન તમામ ગરીબો દલિતો છે, તેમની પીડામાં થોડીક ડીગ્રીનો ફેર પડે છે. સમસ્યા નાતજાતની કરતા ગરીબી, શિક્ષણ અને સારવારનો અભાવ અને બેરોજગારી વિકરાળ પ્રશ્ન છે. તારી સાથે સંમત્ત છું કે એક ગરીબ બ્રાહ્રમણને કોઈ રોટલો ના આપે તો વાંધો નહીં, પણ તેનું અપમાન કદાચ દલિત જેટલુ થતુ નથી. તારી લડાઈ માત્ર દલિતોની નથી, તારી લડાઈ એક વર્ષોથી ચાલી આવતી સીસ્ટમ સામે છે.

હવે તે કરેલા ભાષણના વિષય ઉપર આવુ તું ગુસ્સો કરે, તું તંત્રને ગરમી બતાડે તેનો કોઈ વાંધો નથી, તે અને તારા પુર્વજોએ જે ભોગવ્યું છે, તેના પરિણામ સ્વરૂપ આવુ થવું બહું સ્વભાવીક માનું છું. તે જે ભાષણ કર્યું તેની સાથે હું જરા પણ સંમત્ત નથી, ભાષણના તારા જે શબ્દો હતા તેના કારણે તાળી ખુબ પડતી હતી, પણ તું જે મુદ્દાને લઈ નિકળ્યો હતો તે બાજુમાં ઉપર રહી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચના હાથમાં રહેલો ડંડો ઉંધો કરી ઘાલી દઈશું, નરેન્દ્ર મોદીના બાપ... વગેરે વગેરે જે વાત છે તે તને વાજબી લાગે છે?.. હું જે જીજ્ઞેશને ઓળખતો હતો તે આ નથી. તને યાદ અપાવુ લડાઈ સીસ્ટમ સામેની છે કોઈ માણસ સામેની નથી. તે જનઆક્રોશ રેલી કાઢી અને ભાષણ કર્યું તેમાં તારો આક્રોશ જરૂર હતો, પણ તે આક્રોશ બેફામ થયેલા સાંઢ જેવો હતો.

તારી ભાષાના પ્રયોગને કારણે તારો જે મુળ પ્રશ્ન છે તે બાજુ ઉપર રહી જાય છે, દુશ્મન પણ તારા એક એક શબ્દને માન આપે અને તારા દરેક શબ્દની એક કિંમત થાય તે જરૂરી છે. અમદાવાદના ભુદરપુરામાં પોલીસે દલિતોને ઘરમાં ઘુસી માર્યા તેને કોઈપણ વાજબી કહી શકે તેમ નથી, પણ ક્રાઈમનો ડંડો... અને પછીની વાત કદાચ તું ટાળી શકયો હોત. હું તને લાંબો સમયથી જોઈ રહ્યો છું કે જ્યારે તારી સામે ભીડ નથી હોતી અને સામે ભીડ હોય છે ત્યારે તારો વ્યવહાર બદલાઈ જાય છે. ભીડની ગેરહાજરી તને વધારે સમજદાર અને પુખ્ત બનાવે છે, પણ ભીડની હાજરીમાં તું તારું માનસીક સંતુલન ખોઈ બેસે છે., ભીડની સામે બોલતા જીજ્ઞેશ અને ઓવેસી અને પ્રવિણ તોગડિયામાં  કોઈ ફેર લાગતો નથી.

જીજ્ઞેશ ભીડને વિખરાઈ જતા વખત લાગતો નથી. તને ખબર છે લોકોની યાદશક્તિ ખુબ ટુંકી છે. તું ભુલાઈ જઈશ તે પહેલા તને વડગામના લોકોએ આપેલી તકનો ઉપયોગ કર, તું વડગામનો ધારાસભ્ય હોવા છતાં તું વડગામ ઓછો અને બહાર વધારે રહે છે. એક સારો ધારાસભ્ય કેવો હોય અને તે પોતાના મત વિસ્તારમાં શું કરી શકે તેનું ઉદાહરણ પુરૂ પાડ, તું તારા વડગામની સમસ્યા લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે જા અને કહે કે હું મારા માટે નહીં ગુજરાતની પ્રજા માટે માંગી રહ્યો છું, પછી જો વિજય રૂપાણી પણ લોકો માટે તું જે કરી રહ્યો છે તેને નકારી શકશે નહીં.

મુદ્દાઓ સાચા હોવા છતાં ભાષાનો સંયમ જરૂરી છે, કદાચ તું અથવા તારી આસપાસના લોકો કહેશે કે આ લોકોને તો આ જ ભાષા સમજાય છે, તો હું તેમને પુછીશ કે તો તેમનામાં અને તમારામાં ફેર શું છે તે બતાવો. તે લોકો જે રસ્તે ગયા તે રસ્તે તમે પણ જઈ રહ્યા છો. માગણી સાચી હોવા છતાં તેની તરફ જવા માટેનો રસ્તો યોગ્ય નથી. મારી નારાજગી માત્ર તું જે રસ્તા તરફ જઈ રહ્યો છે તેની છે, નહીં કે તારા મુદ્દાઓની. તને મારા અને નરેન્દ્ર  મોદીના સંબંધોની ખબર છે, એટલે હિંમત કરીને કહું છું કે તું જ્યારે હવે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરે છે ત્યારે તારે ધ્યાન રાખવુ પડશે કે તું સંઘ અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીની વાત કરતો નથી પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરે છે.

નરેન્દ્ર મોદી સામે તને અને મને પણ હજાર વાંધા હોઈ શકે, પણ દેશના વડાપ્રધાનના પદની ગરીમાનું પણ ધ્યાન રાખવું પડશે. નરેન્દ્ર મોદીની ટીકા થાય તેની સામે મને કોઈ વાંધો નથી, પણ ટીકા કરવાની પણ એક ભાષા હોય, કદાચ નરેન્દ્ર મોદી પણ તારા જેવી ભાષાનો પ્રયોગ કરે તો પણ આપણે તો આપણી શાલીતાને આંચ આવવી જોઈ નહીં. દેશની તમામ સમસ્યાનું મુળ માત્ર નરેન્દ્ર મોદી નથી, કારણ આપણી સમસ્યાઓ તો હજારો વર્ષ જુની છે અને નરેન્દ્ર મોદી તો હજી ચાર વર્ષ પહેલા વડાપ્રધાન થયા તેનો અર્થ આપણી સીસ્ટમમાં ગરબડ છે, તને ફરી કહુ કે તે લડાઈ માણસ સામેની નહીં સીસ્ટમ સામેની છે, ત્યારે નરેન્દ્ર મોદી હોય કે આવતીકાલે રાહુલ ગાંધી આવશે ત્યારે સાચા મુદ્દાઓ ભાવનામાં વહ્યા વગર માત્ર આપણી મુર્ખતા અને અને ટોળાઓેને ખુશ કરવાની લાલસાને કારણે ભુલાઈ અને ખોવાઈ જશે.

જીજ્ઞેશ વર્ષો પછી ખાસ કરીને દલિતોને લાગ્યું કે તેમને એક નેતા મળ્યો છે. તે વાત પણ સાચી છે લોક આંદોલનના સ્વરૂપમાં ત્યારે તારી જવાબદારી વધી ગઈ છે, તારે કઈક એવું કરવુ પડશે કે તેના કારણે તેમની જીંદગીમાં ખરેખર કાંઈક સારૂ થાય મારવા અને મરવાની વાત કયારેય પરિણામ આપશે નહીં , પાંચ વર્ષ પછી તું ચૂંટણી હારી જઈશ કદાચ તને ફેર નહીં પડે, પણ હજારો લોકો જે તારી ઉપર ભરોસો કરી રહ્યા છે તે લોકો હારી જશે, ગુજરાતને બીજાની પીડા જોઈ રડનાર અને લડનાર અનેક જીજ્ઞેશની જરૂર છે. તે દિશામાં કઈક કરી શકે તો કર, બાકી રસ્તા રોકનાર અને આગ લગાડનાર નેતાઓ તો આપણી પાસે ઘણા છે.

તારા દોસ્ત

પ્રશાંત દયાળ