મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં વિરાટ મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યભરમાંથી 15 હજાર કરતા વધુ મહિલાઓ હાજર રહી હતી.   

સ્વામિનારાયણ નગરના પ્રમુખસ્વામી મંડપમાં યોજાયેલા આ મહિલા સંમેલનમાં 550થી વધુ મહિલાઓ, યુવતી અને બાલિકાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ધાર્મિક કલાકૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. દરમિયાન સાંજે 7.30 થી 10.30 સુધી દર કલાકે 'લાઈટ એન્ડ સાઉન્ડ શો'નું પણ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ લેવા મહિલાઓ સહિત હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ નગરમાં આજે સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી જિલ્લાની 1400 શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત, દર્શન તેમજ ભોજનનો લાભ પણ લીધો હતો. દરરોજ બપોરે 2 થી રાત્રે 10 દરમિયાન હરિભક્તો પણ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ નગરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.